ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાંગાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા ઘોડવહળ ગામ નજીકનો કોઝવે ઘસમસતા પાણીમાં ગરકાવ થતાં જિલ્લા મથક આહવા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ખાપરી નદીમાં પાણીના વધતા પ્રવાહને કારણે ઘોડાપુરથી ભવાનદગડ અને આમસરવળ જતા કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સાપુતારા-સામગાહન રાજ્ય ધોરીમાર્ગ પર પણ વૃક્ષ સહિત ભેખડ ધસી પડતાં માર્ગ અવરોધાયો છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાંગમાં આહવામાં 10 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગમાં આહવામાં 10 ઇંચ, વઘઈમાં 8 ઇંચ, સુબીરમાં 7.25 ઇંચ, અને સાપુતારામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં 6.6 ઇંચ, નવસારીના વાંસદામાં 6.3 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, તાપીના ધોલવાણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 61 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.