Home / Gujarat / Ahmedabad : Ahmedabad plane crash police duty Continuously Since the Incident Day

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટના બની તે દિવસથી આ પોલીસ અધિકારીઓ ખડેપગે; ઘરે જવાનું પણ ટાળ્યું

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટના બની તે દિવસથી આ પોલીસ અધિકારીઓ ખડેપગે; ઘરે જવાનું પણ ટાળ્યું

અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક અઠવાડિયુ પૂર્ણ થયું છે. 12 જૂને 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઇ હતી જેમાં 241 મુસાફર સહિત 270 લોકોના મોત થયા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોલીસે મહત્ત્વની ભૂમિકા ભજવી દુ:ખની ઘડીમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અમદાવાદ પોલીસે ઘટનાસ્થળે ઝડપથી પહોંચીને બચાવ કાર્યોમાં સહયોગ આપ્યો અને સિવિલ હોસ્પિટલ ખાતે ઝડપી બંદોબસ્ત ગોઠવીને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી અને સહિષ્ણુતાભરી કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકોના પરિવારજનોને જ પોતાના પરિવારજન ગણીને સેવા કરી હતી અને પોતાના ઘરે ગયા વગર દિવસ-રાત કામ કરીને સારી કામગીરી કરી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ પોલીસનું બચાવ કામગીરીમાં જોખમભર્યું યોગદાન

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ ઘટનાસ્થળે ઝડપથી પહોંચી હતી. આગ અને ધુમાડાથી ભરેલા વિસ્તારમાં પોલીસે જોખમ ઉઠાવીને બચાવ કાર્યોમાં ભાગ લીધો હતો.ખાસ ડોગ સ્ક્વોર્ડનો ઉપયોગ કરીને મૃતદેહો અને માનવ અંગો શોધવામાં મદદ કરી હતી જે અત્યંત પડકારજનક કાર્ય હતું. આવા જોખમી વાતાવરણમાં કામ કરતી વખતે પોલીસ કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી હતી.

તપાસ અધિકારી નરોડાના PI પી.વી.ગોહિલ સાત દિવસથી ઘરે જ નથી ગયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાથી લઇને રાહત કામમાં જોડાયેલા શહેર પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. આ દુર્ઘટનાની તપાસ કરી રહેલા અનેક પોલીસ કર્મીઓ પોતાના ઘરે ગયા વગર જ ફરજ પર હાજર રહીને સતત કામગીરી કરતા રહ્યાં હતા.વિમાન દુર્ઘટનાની તપાસ કરતા નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી.ગોહિલ છેલ્લા 7 દિવસથી ઘરે ગયા વગર જ સતત તપાસ કરી રહ્યાં છે.PI પી.વી.ગોહિલે સિવિલ હોસ્પિટલમાં રહીને મૃતદેહ સોપવાથી લઇ પોલીસ પ્રક્રિયાની કામગીરી કરી હતી.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  મૃત્યુ પામેલા 80 મુસાફરોના શરીર પરથી સોનાના દાગીના મળી આવ્યા હતા. DNA મેચ થતા તેમના મૃતદેહ લેવા આવેલા 50 જેટલા મૃતકોના પરિવારજનોને સોનાના દાગીના પોલીસે સોપ્યા હતા. મૃતકના પરિવારજનો સ્વજનોની ધીરજ ખુટતા પોલીસ સતત સમજાવતી રહી કે DNA મેચ થશે તો પોલીસ સામેથી જાણ કરશે. આ સાથે જ મૃતદેહ સોપ્યા બાદ મૃતકોના પરિવારજનો સામેથી જ પોલીસ અધિકારીનો ફોન નંબર લઇને સારી કામગીરી બદલ આભાર માનતા પણ જણાયા હતા.

સાત દિવસથી પોલીસ અધિકારીઓ સિવિલમાં ફરજ પર હાજર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોલીસ કમિશનર જી.એસ.મલિક અધ્યક્ષતામાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. ક્રેશ સાઇટ પર અને સિવિલ હોસ્પિટલમાં સેક્ટર-2 JCP જયપાલ સિંહ રાઠોડ દિવસ-રાત ત્યાં ફરજ બજાવી રહ્યાં છે. નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી.ગોહિલ, શાહીબાગ PI જે.ડી.ઝાલા, ACP રીના રાઠવા સહિતના પોલીસ અધિકારીઓ સતત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે.

તપાસ અધિકારી નરોડાના PI પી.વી.ગોહિલની સાથે તેમનો સ્ટાફ ASI ગોમજી ભાઇ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતુભા, હેડ કોન્સ્ટેબલ ગણપતભાઇ, કોન્સ્ટેબલ કલ્પેશભાઇ,   કોન્સ્ટેબલ પરેશભાઇ,  હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પણ દિવસ-રાત ખડેપગે રહ્યો હતો.

DCP કાનન દેસાઇની દીકરીને કોરોના થયો છતા ફરજ પર હાજર રહ્યાં

અમદાવાદ વિમાન દુર્ઘટના દરમિયાન DCP કાનન દેસાઇના દીકરીને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં રજા મળી છતા તેઓ દીકરીને મળવા માટે ઘરે ગયા નહતા અને ફરજ પર હાજર રહીને પોતાની સેવા કરતા રહ્યાં હતા.

બીજી તરફ અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ પણ સાત દિવસથી ઘરે જઇ શક્યા નથી અને કપડા મંગાવીને ફરજ પરના સ્થળ પર જ ચેન્જ કરી રહ્યાં છે.

મૃતકોના DNA પરિવારજનોને સોપવા સુધીની કામગીરીને સરળ બનાવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કોઇ તકલીફ ના પડે તેનું ધ્યાન પણ પોલીસ સતત રાખતી રહી છે. મૃતકોનો  DNA આવે અને તેના રિપોર્ટથી લઇને મૃતદેહને તેમના પરિવારજનોને સોપવા સુધીની કામગીરી પોલીસે સરળ બનાવી હતી.

મૃતકોનું DNA આવે અને તે પછી હાર્ડ કોપીની નકલો તેમજ પરિવારજનોના સ્ટેટમેન્ટ અને પાર્થિવ દેહ સોપ્યાની પહોંચ, સ્ટેશન ડાયરીમાં નોંધ કરેલ કોપી સ્વજનોને આપવાની કામગીરી કરવામાં આવી હતી.મૃતદેહ પાસેથી મળેલ કપડા તેમજ કિંમતી દાગીના સહિતની ચીજવસ્તુઓ જે મૃતકની હોય તેના પરિવારજનોને પોલીસ દ્વારા સોપવામાં આવી હતી. આ સાથે જ પાઇલોટિંગ ગાડી સાથે તમામ માન સન્માન સાથે મૃતકનો પાર્થિવ દેહ તેના વતન સુધી મોકલવામાં આવ્યો હતો. 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોલીસે પોતાના જીવની પરવા કર્યા વગર બચાવ, સુરક્ષા અને લોકોની સેવામાં અદભુત યોગદાન આપ્યું હતું. આવા ખાખીના બલિદાનને  ક્યારેય ભૂલાશે નહીં. સલામ છે અમદાવાદ પોલીસ...

Related News

Icon