
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)એ સરકારને સોપ્યો છે. આ વિમાન દુર્ઘટના કેવી રીતે બની તે હવે સામે આવી શકશે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ક્રેશ થતા આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફર સહિત 275 લોકોના મોત થયા હતા.
AAIBએ સરકારને સોપ્યો પ્રાથમિક રિપોર્ટ
સુત્રો અનુસાર, વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB)એ AI171 વિમાન દુર્ઘટના પર પોતાનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને સોપી દીધો છે. દાખલ કરવામાં આવેલો રિપોર્ટ તપાસની શરૂઆતના નિષ્કર્ષો પર આધારિત છે.
બ્લેકબોક્સની તપાસ બાદ પ્લેન ક્રેશનું કારણ સામે આવશે
તપાસમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત પછી વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા કાઢવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગળના બ્લેક બોક્સના ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (સીપીએમ) ને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું હતું. ૨૫ જૂન, ૨૦૨૫ ના રોજ, એએઆઇબીની દિલ્હી લેબમાં તેની મેમરી ખોલવામાં આવી હતી અને તેમાંથી ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. ડેટાની ચોકસાઈ ચકાસવા માટે 'ગોલ્ડન ચેસિસ' નામના બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. ૧૩ જૂનના રોજ અકસ્માત સ્થળે એક ઇમારતની છત પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું હતું, જ્યારે બીજું ૧૬ જૂનના રોજ કાટમાળમાંથી મળી આવ્યું હતું.
તપાસમાં ઘણા નિષ્ણાતો સામેલ
આ તપાસ AAIBના ડાયરેક્ટર જનરલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તપાસ ટીમમાં ભારતીય વાયુસેના, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. એનટીએસબી એ અમેરિકાની સત્તાવાર તપાસ એજન્સી છે, કારણ કે વિમાન ત્યાં ડિઝાઇન અને બનાવવામાં આવ્યું હતું.
https://twitter.com/AHindinews/status/1942485762660020517
અમદાવાદ પ્લેન ક્રેશમાં 275 લોકોએ ગુમાવ્યા જીવ
અમદાવાદમાં 12 જૂન ગુરૂવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઈટે ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત સાથે અથડાયુ હતું. જેમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતાં. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઈમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતાં.