
જગત જનની અંબાજી મોટે ભાગે પર્વતો કે ડુંગર પર બીરાજે છે. માનાં મંદિરે દર્શન કરવા જનારે પગથીયાં ચઢીને, મહેનત કરવી પડે છે. માનાં બેસણાં પર્વતો પર વધારે જોવા મળે છે તેનાં કેટલાંક કારણો છે.પર્વત પરથી જોવું એટલે ઉંચેથી જોવું કે વિહંગાવલોકન કરવું. માતાજીએ ઘણા રાક્ષસોના વધ કરેલા છે છતાં કોઈ રાક્ષસ રહી નથી ગયા ને તે પર્વત પરથી તેઓ જોઈ શકે. ભક્તોની ગતિવિધિઓ પર મા ઉપરથી ધ્યાન રાખી શકે. ભક્તોનાં ક્ષેમકુશળ જોઈ શકે. ભક્તોનું ધ્યાન કાળજી કે રક્ષા મા ઉપરથી કરી રહ્યાં છે. અન્ય કારણોમાં પહેલાં મંદિરો,પર્વતો પર જ હતાં કારણ ત્યાં શાંતિ વધુ હોવાથી માનું ધ્યાન પુજા કે અર્ચના શાંતિથી થઇ શકે. નગરની વચ્ચે મંદિરો પછી આવ્યાં કે નીચે મંદિરો બનવા લાગ્યાં. પર્વતો પરથી નદી,ઝરમાં વહે છે જે લોકોને ઉપયોગી છે. વનરાજી તથા વનસ્પતિ તથા દવાઓ કે ઔષધિઓ પર્વત પરથી જ મળે છે. પશુ-પંખીઓને આશરો પર્વતનાં વૃક્ષો કે વનો જ આપી શકે છે. પર્વતનાં પગથીયા ચઢવાથી શરીરને કસરત પણ મળે છે, અને એક જાતનું તપ પણ થઇ જાય છે. હવે ઘણા પર્વતો પર રોપ-વે કે કેબલ કાર થઇ ગયાં છે. પર્વતો પરથી નીચેનો નઝારો જોવાનો આનંદ આવે છે.
પર્વતની તળેટી કે નીચેના ભાગ એ માનાં પાથરણાં મનાય છે. જેમ બાળકો માની ગોદમાં રમે છે તેમ તળેટી પણ રક્ષાનું કાર્ય કરે છે. પર્વત પર માનાં સ્થાનકો છે એટલે નીચેનું ઉપરથી સ્પષ્ટ દેખાય છે. ભક્તો નીચેથી ઉપર જાય છે તો માના આશીર્વાદ ઉપરથી નીચે આવે છે. પર્વતો કુદરતી સૌંદર્યના દ્યોતક છે. પર્વતો પર શાંતિમય વાતાવરણ હોય છે. ગિરનાર પર્વત પર અસંખ્ય સંતોના આશ્રમો,ધુણીઓ,ધ્યાન કેન્દ્રો આવેલાં છે. પર્વતને પહાડ કે ગિરિ પણ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરેલ અને ભક્તોનું અતિવૃષ્ટિથી રક્ષણ કરેલ તેથી જ 'ગિરિરાજ ધરણ કી જય' બોલવામાં આવે છે. પર્વત અચલ સ્થિર હોય છે. મેરૂ ડગતા નથી તેમ કહેવાય છે. આમ ભક્તિની શક્તિ પણ અચલ હોય છે. આપણે ત્યાં ઘણા પર્વતો પર માતા સતીનાં અંગો પડયાં હતાં તે શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હવે પર્વતો પર માતાજીનાં મંદિરો છે તેનાં કેટલાંક દ્રષ્ટાંતોની વાત કરીએ જે નીચે મુજબ છે : ચામુંડા (ચોટીલા), શિહોરી માતા (શિહોર), ગબ્બર (અંબાજી), વૈષ્ણોદેવી (કતરા) હરસિદ્ધિ હર્ષદમાતા (કોયલા ડુંગર), અંબાજી (ગિરનાર), મહાકાળી (પાવાગઢ) અર્બુદા દેવી (માઉન્ટ આબુ, આસામ), ચંડીદેવી- મનસા દેવી (હરિદ્વાર), કનકદુર્ગા (ઇન્દ્ર કી લાડી ટેકરી : વિજયવાડા એ.પી.) જ્વાલામુખી (હિમાચલ પ્રદેશ) અમલેશ્વરી (છત્તીસગઢ) ચામુંડેશ્વરી (મૈસુર)
જૈન ધર્મનાં કેટલાંક મંદિરો પણ પર્વત પર છે જેમ કે ગિરનાર,પાવાપુરી,પાલીતાણા વગેરે. માતાજી સિવાય પણ ઘણાં મંદિરો પર્વત પર આવેલાં છે જેમ કે શ્રી શૈલ (મલ્લિકાર્જુન) દત્તાત્રેય (ગિરનાર) તિરૂપતી બાલાજી કારેશ્વર મહાદેવ,સપડા ગણપતિ મંદિર,જડેશ્વર (વાંકાનેર) કૈલાસ પર્વત શિવજીનું સ્થાન. પહાડ પરથી આરસ પણ મળે છે તેમાંથી મૂર્તિઓ કે મંદિરો બને છે. પર્વતો પર જંગલો હોવાથી વરસાદ પણ આવે છે. આમ, મંદિરો કે જે પર્વતો પર આવેલાં છે તેનો મહિમા વિશેષ છે. મા અંબા પર્વતોની ટોચે બીરાજે છે અને નીચે રહેલા ભકર્તોનું યોગક્ષેમ વહન કરે છે તે ભક્તો માટે ધન્યતાની નિશાની છે. પર્વતની ટોચે બીરાજમાન સર્વ દેવી-દેવતાઓને શતકોટિ વંદન.