
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યભરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ સાથે જ રાજ્યભરમાં પોલીસ ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યના બોર્ડર વિસ્તારોમાંની સાથે સાથે સંવેદનશીલ સ્થળો પર વધારાની પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. અવર-જવર કરી રહેલા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકા-સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોમાં સુરક્ષા વધારાઈ
આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અંબાજી મંદિરમાં SOG તહેનાત
બનાસકાંઠા SPએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલી છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે SOGની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે.