
Ankleshwar News: ગુજરાતભરમાંથી સતત ગેસ ગળતરની ઘટના સામે આવી રહી છે એવામાં ભરુચમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી છે. ભરુચ જિલ્લામાં અંકલેશ્વર શહેરમાં ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં આ દુ:ર્ઘટના થઈ હતી. કંપનીના રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન બે કામદારોને ગેસ લાગતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા હતા.
અંકલેશ્વર કોસંબા વચ્ચે ધામરોડ નજીક મંગલમૂર્તિ કંપની આવેલી છે. આ કંપનીમાં રિએકટરના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન કામ કરી રહેલા બે કામદાર ને ગેસ લાગ્યો હતો. જે અંગેની જાણ કંપની સંચાલકોને થતા તેઓએ બંને કામદારોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જો કે વધુ સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત નીપજ્યા હતા. બંને મૃતક કામદારો રાજન શર્મા અને રાજન સિંગ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા બંને યુવકોના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ કોસંબા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.