
એરાઉન્ડ ધ માર્કેટ
સરકારે બે વર્ષમાં પહેલી વાર APM (એડમિનિસ્ટર્ડ પ્રાઇસિંગ મિકેનિઝમ) ગેસના ભાવ ઘટાડયા છે. ઘરેલુ ગેસના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાથી દેશની શહેર ગેસ વિતરણ કંપનીઓની નફાકારકતામાં સુધારો થવાની શક્યતા છે, એમ વિશ્લેષકો માને છે. જો (CNG/PNGના) ભાવમાં સુધારો કરવામાં નહીં આવે તો નફાકારકતામાં સુધારો થશે કારણ કે તાજેતરમાં APM ગેસના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે તેની અસર થઈ છે. એપ્રિલ ૨૦૨૩માં, કેન્દ્રીય મંત્રીમંડળે લેગસી ફિલ્ડ્સમાંથી ગેસની કિંમત માસિક ધોરણે નક્કી કરવા માટે નિષ્ણાત સમિતિના અહેવાલને સ્વીકાર્યો હતો, જેને APM ગેસ પણ કહેવાય છે.
ભારતીય હોટેલ ચેઈનનું વૈશ્વિક સ્તરે વિસ્તરણ
ભારતીય પ્રવાસીઓ પહેલાથી જ વિદેશ ફરી રહ્યા છે, ત્યારે હવે ભારતીય હોસ્પિટાલિટી કંપનીઓ પણ દેશની બહાર જવા માટે ઉત્સુક બની છે.
આ કંપનીઓ ફક્ત બ્રિટન, પશ્ચિમ એશિયામાં જ નહીં પરંતુ આફ્રિકન ખંડમાં પણ વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ કંપનીએ દક્ષિણ આફ્રિકામાં પ્રવેશની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દસ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાંથી બે બહેરીનમાં આગામી ત્રણ વર્ષમાં અને બે સાઉદી અરેબિયામાં આગામી ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થઈ જશે.
લક્ઝરી હોટેલ ચેઇન ઓબેરોય હોટેલ્સે પણ મોટા પાયે આંતરરાષ્ટ્રીય વિસ્તરણની યોજના બનાવી છે. આમાં ૨૦૨૮માં સેન્ટ્રલ લંડનના મેફેરમાં ખુલવા માટે ૨૧ રૂમની ઓબેરોય બ્રાન્ડ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. લંડનની આ પ્રોપર્ટી ઓબેરોયની પેરેન્ટ કંપની ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સની માલિકીની રહેશે. બેંગલુરુ સ્થિત રોયલ ઓર્કિડ હોટેલ્સ માલદીવ અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં પણ તેની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે. કંપની શ્રીલંકા અને નેપાળમાં પણ તેની હાજરી વધારવાનું વિચારી રહી છે.