આજકાલ વ્યસ્ત જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે માટે મેદસ્વિતા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાળા વહીવટી તંત્રએ સાઇકલ યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રાનું આયોજન બરવાળા ઝબુબા ગર્લ્સ હાઈસ્કુલથી સાળંગપુર સુધી કરવામાં આવ્યું હતું.
બેઠાળુ જીવનના પગલે ભારતના લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. અમેરિકા અને ચીન બાદ ભારત મેદસ્વિતામાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. જે ખૂબ જ ચિંતાજનક છે. મેદસ્વિતા અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના ભાગ રૂપે બરવાળા વહિવટી તંત્ર દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ બરવાળાની ઝબુબા ગર્લ્સ હાઈસ્કુલથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિર સુધી કરવામાં આવ્યું હતું, જેનું અંતર 15 કિલોમીટર છે. આ યાત્રામાં બોટાદના DySP, બરવાળા પ્રાંત અધિકારી સહિત અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા.
આ સાયકલ યાત્રાનો અંતિમ પડાવ સાળંગપુર હનુમાનજી મંદિર હતો જ્યાં પહોચી તમામે કષ્ટભંજન દાદાના દર્શન કર્યા હતા. મેદસ્વિતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા બરવાળા વહિવટી તંત્રે કરેલું આ કામ સરાહનીય છે.