
- જયવિકા આશર
હું ૩૫ વરસની નોકરિયાત મહિલા છું. મને પરસેવો બહુ વળે છે. અને પરસેવાની દુર્ગંધ પણ આવે છે. તેથી જાહેરમાં હું ક્ષોભજનકસ્થિતિમાં મુકાઇ જાઉં છુ. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)
પરસેવો વધુ-ઓછો વળવો એ શારીરિક સંરચના પર નિર્ભર કરે છે.તેનો કોઇ ઉકેલ નથી હોતો. પરંતુ પરસેવાની દુર્ગંધથી બચવા શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ઉનાળામાં સુતરાઉ કપડાં જ પહેરવા. વગર ધોયેલા કપડાં પહેરવા નહીં. ગરમીમાં ઓછામાં ઓછું બે વાર સ્નાન કરવું. સ્નાનના પાણીમાં ગુલાબ અથવા લીમડાના પાન નાખવા. સ્નાન બાદ શરીર પર પાવડર અવશ્ય લગાડવો. પર્સમાં ડિયોડરન્ટ રાખવું જેથી દિવસમાં ત્રણ-ચાર વાર ઉપયોગમા લઇ શકાય. દિવસમાં પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું જેથી શરીરમાંથી પરસેવા વાટે નીકળી ગયેલ પાણીની પૂર્તી થઇ શકે.
હું ૨૦ વરસનો યુવક છું. મને ચહેરા પર પુષ્કળ પરસેવો વળે છે. અને ત્વચા શ્યામ પડી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવક (અમદાવાદ)
તમારા ચહેરાની ત્વચા તૈલીય હોવી જોઇએ. તેથી પરસેવો જલદી વળે છે. એસ્ટ્રિજન્ટ અથવા તો કોઇ સારા સ્કિન ટોનરથી ચહેરો સાફ કરવો.ઘરથી બહાર નીકળતા પહેલા કોઇ સારું સનસ્ક્રીન લોશન લગાડવું. દિવસમાં ૧૫-૨૦ ગ્લાસ પાણી અવશ્ય પીવું. જેથી પરસેવા રૂપે બહાર નીકળેલા પાણીનું સંતુલન જળવાઇ રહે. રોજિંદા આહારમાં ફળ તથા સલાડનું પ્રમાણ વધારવું. ચહેરો ધોવા માટે ચણાનો લોટ તતા લીંબુનો ઉપયોગ કરવો. ચણાનો લોટ ત્વચા પરના વધારાના તેલને શોષી લેછે. અઠવાડિયામાં એક વાર ચંદન પાવડર અને મુલતાની માટીને ગુલાબજળમાં ભેળવી પેક બનાવી લગાડવું. અને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
હું ૩૦ વરસની યુવતી છું. મારી ત્વચા ખરબચડી છે. તેને મુલાયમ કરવા મેં વિવિધ ક્રિમના ઉપયોગ કર્યા છે. પરંતુ કોઇ ફાયદો થતો નથી. ઘણી વખત તો ત્વચા પર રેસિષ પણ પડી જાય છે. મારી આંખની આસપાસ પણ રેખા અંકિત થઇ ગઇ છે. મારી આ બન્ને સમસ્યાનું નિવારણ કરતા ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)
આંખની આસપાસ 'ફાઇન લાઇન' થવાનું કારણ ત્વચાની વધુ પડતી રૂક્ષતા છે. તમે રોજિંદા આહારમાં દૂધ તથા તેની બનાવટનું પ્રમાણ વધારો. તેમજ ત્વચાને મોઇશ્ચરાઈઝર પૂરું પાડવાનું શરૂ કરી દો. બે ચમચી તાજી મલાઇ, એક ચમચી મધ, એક ચમચી બદામની પેસ્ટ આ સઘળું ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ત્વચા પર લગાડી હળવે હળવે મસાજ કરવું. ઠંડા દૂધમાં પલાળેલા કોટનથી દૂર કરવું.
હું ૨૮ વરસની યુવતી છું. ચહેરા પર ઝાંય પડી ગઇ છે તેને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (વલસાડ)
સંતરાની છાલને સુકવી તેનું બારીક ચૂરણ કરી તેમાં ગ્લિસરિન ભેળવી ચહેરા પર ધીરે-ધીરે લગાડવું. થોડા દિવસો બાદ ઝાંયમાં ફરક પડવા લાગશે. ખીરા અને કાચા બટાકાનો રસ સમાન માત્રામાં મેળવી તેમાં થોડા ટીપાં ગ્લિસરીન તથા ગુલાબ જળના પણ ભેળવી ચહેરા પર લગાડવાથી ઝાંય દૂર થાય છે.
ઉપરાંત રોજિંદા આહારમાં વિટામિન, આયર્ન તથા પાંદડાયુક્ત ભાજીનો સમાવેશ કરવો. દિવસમાં ૧૫-૧૬ ગ્લાસ પાણી પીવું જેથી ત્વચાની નમી બની રહે.