
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટરી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં રાજ્યના ક્રિકેટ એસોસિએશન (KSCA) અધિકારીઓ વિરુદ્ધના દંડાત્મક કાર્યવાહી પર કર્ણાટક હાઈકોર્ટે રોક લગાવી છે, ત્યારે વિરાટ કોહલી વિરૂદ્ધમાં બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા એચ.એમ. વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવી છે.
ખેલાડી વિરાટ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
બેંગલુરૂ નાસભાગ મામલે RCB ખેલાડી વિરાટ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ લેટર પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, વેંકટેશ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ફરિયાદ નંબર 123/2025 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
https://twitter.com/ians_india/status/1931011656542478367
આઈપીએલ 2025માં આરસીબીના ચેમ્પિયન બનતા બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરા-તફરી મચી જવા પામી હતી. આરસીબીની ટીમ અમદાવાદથી બેંગલુરૂ પહોંચી હતા. જ્યાં વિધાનસૌધામાં મુખ્યમંત્રીએ આરસીબીની ટીમ અને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી.
ત્યારબાદ આરસીબીની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી. જ્યાં લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને BCCI, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. તેમણે કહ્યું કે, 'નાસભાગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ થશે. કમિટી 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ દુર્ઘટના નહોતી બનવી જોઈતી. જશ્ન માટે 35 હજારની કેપેસિટી વાળા સ્ટેડિયમમાં અંદાજિત 3 લાખ લોકો ઉમટી પડ્યા. નાસભાગમાં બચાવ ન કરી શકાયો.'