Home / : The currency of Soopdu and Sundla is gone

Ravi Purti : સૂપડૂં અને સૂંડલાનાં ચલણ ગયાં

Ravi Purti : સૂપડૂં અને સૂંડલાનાં ચલણ ગયાં

- આજમાં ગઈકાલ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કશું જ સંગ્રહે નહિ એ સૂપડું. 'સાધુ ઐસા ચાહિયે જૈસા સૂપ સુહાય' અહીં સૂપનો અર્થ સૂપડું છે

આજે તો માટીનાં વાસણોનો યુગ આથમી ગયો છે તેની જગ્યાએ પ્લાસ્ટિક,સ્ટીલ અને એલ્યુમિનિયમ આવી ગયું છે. તાંબુ-પિત્તળ ઓછું થઈ ગયું છે. મોભ રહ્યા નથી, નળિયાં નથી પતરાં નથી - ધાબાં ભરાઈ ગયાં છે. નેવાં પડતાં નથી... પાણિયારાં નથી એટલે માટલે પાણી ઝમતાં નથી. ગ્રાઇન્ડર અને હેન્ડમિકસીના આક્રમણે સાંબેલું ભુલાવી દીધું છે. ખલ અને પારાની જરૂર હવેના રસોડાને નથી. સૂપડાનો ઉપયોગ બંધ થવામાં છે ખાંડણિયા-ઉમ્બરા-ગોખલા- ટોડલા-ચાડાં- સૂંથિયું - ઈંઢોણી- વાઢી- વટલોઈ - તાંબાકૂંડી જેવા શબ્દોથી આજની પેઢી અજાણ છે. સાંબેલું શબ્દ સાંબેલાધાર વરસાદ પૂરતો જ વપરાય છે. 

આજે સૂપડું અને સૂંડલા શબ્દો ગ્રામજીવનના અસબાબમાં કેવું મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા તે વિશે વાત કરીએ. સૂપડું વાંસની પટ્ટીમાંથી બનાવેલું - વચ્ચે સળિયો ગોઠવી થાળ જેવું પ્હોળુ રાખેલું. ચામડાની પટ્ટીથી કિનારો ઓટેલું... એ સૂપડું 'સૂપડામાં સૂવાડયા મારા કહાન' એવી લોકગીતની પંક્તિ પણ જાણીતી છે. સૂપડાનું કામ અનાજ ઝાટકવાનું. સૂપડું સ્વભાવે સારગ્રાહી છે. સાર ગ્રહણ કરી લેવાનું તેની પાસેથી શીખવા જેવું છે. એ અંદરથી વિવૃત્ત (પ્હોળુ) હોય છે - વિશાળતા એ એની ઓળખ છે એના ઉદરમાં બધું આવે, કશું સંગ્રહ કરે નહિ એ સૂપડું. લંબકર્ણ હાથી જેવું એ પ્હોળું હોય છે. લંબકર્ણવાળા સાંભળે બધું જ પણ સારાસારનો વિવેક કરી જાણે એવું સૂપડાનું છે. બધા પ્રકારનું સારું-નરસું, મગ-મઠ, ઘઉં-બાજરી-ચોખા બધાં જ ધાન એના વિશાળપટમાં આવે તેને ઝાટકી ચોખ્ખા કરે... કશું જ સંગ્રહે નહિ એ સૂપડું. 'સાધુ ઐસા ચાહિયે જૈસા સૂપ સુહાય' અહીં સૂપનો અર્થ સૂપડું છે.

સૂપડું વાપરતાં બધાંને ફાવે નહિ એની વિશિષ્ટ પ્રકારની રીત હોય છે. સૂપડું લઈ ઝાટકતી બહેનોને જુઓ તો ખબર પડે કેવી ઝડપથી,લયાત્મકતાથી સૂપડું તેમના હાથોમાં ચાલે છે! બંને હાથે રમતું હોય જાણે! એકધારો અવાજ થાય... અંદરના ઊછળતા દાણાનો! ધાનનો! કાંકરા-ફોતરાં તરીને ઉપર આવે, બહાર આવે... નીકળી જાય - બહાર પડે. 

રબારી કોમમાં ઘોડિયામાં કે સૂપડામાં લગન લેવાય... એ સમાજમાં વીસ-બાવીસ વરસે લગનટાણું આવે એવો રિવાજ સૂપડા લગ્નોનાં જીવન પણ જોવા જાણવા જેવાં હોય છે. સૂપડા પાસેથી સારું સાચવવું અને નકામું છોડી દેવાનો ગુણ શીખી લેવાની જરૂર છે. સૂપડાનું સ્થાન કોઈ ખીંટીએ ભરાવેલું હોય, ક્યાંક ખાંડણિયાની બાજુમાં પડયું હોય, ક્યારેક ઘંટી પાસે, કોઠાર પાસે જેવી જેના ઘરની વ્યવસ્થા. ઉંદરભાઈ સૂપડું કાપે ત્યારે તેને સાચવવાની કોશિશ કરવી પડે. કાગળની લુગદીથી સૂપડું લીંપાય પણ ખરું.

સૂંડલા એ એક પ્રકારના મોટા કાગળના વાડકા છે. તપેલીઓ છે. પહેલાં સૂંડલાનું કામ અનાજ-લોટ ભરવા માટે થતો. ક્યારેક શાક પાંદડું પણ તેમાં પડયું રહેતું... શરીરમાં જેમ પાર વગરની વૃત્તિઓ છે એવું સૂંડલા-સૂપડાનું. એમાં બધું જ સારું-નરસું પડયું રહે. કોઠારમાંથી અનાજ બહાર કાઢવા માટે સૂંડલા વપરાતા, નાની હોય તો સૂંડલી. સૂંડલેથી અનાજ સૂપડે આવે. સૂપડેથી ઘંટીમાં ઓરાય... આ ચક્ર ચાલ્યા કરે. ઘરના ઓરડાની દીવાલે સૂંડલા ઉચ્ચાવચતા ક્રમે લટકાવાય. એ સૂંડલાને ચૂનો લગાવી સફેદ પણ બનાવાય. સૂંડલામાં બટાકા, ડુંગળી, કારેલાં, કંકોડાં કે દૂધી પડયાં હોય. નાની સૂંડલીમાં ફૂલ વીણીને લવાય જે દેવને ચઢે એથી મોટી સૂંડલીમાં દાણા લાવી શાકભાજી વાળા પાસેથી દાણાનું શાક લેવાય. સૂંડલામાં પાણી સિવાયના દૂધ-દહીં સિવાયના બધાં જ પદાર્થો રખાય.

સૂંડલા બનાવવાની અનોખી રીત પણ ખરી. કાગળ પલાળાય... ખંડાય... કૂટાય - લોટ થાય એનાથી સૂપડાં લીંપાય, સૂંડલા બને. તપેલાં-માટલાં ઉંધા મુકી પેલો લોટ રોટલાની જેમ પાથરી દેવાનો. વળાંક સુધી. સુકાઈ જાય પછી કાઢી લેવાનો - બીબુ તૈયાર એ સૂંડલો. માટલાં ઊંધાવાળી એના ઉપર થેપ કરી જે સૂંડલાને ઘાટ અપાય તે સર્જન જોવા જેવું છે. એક આખો દિવસ તડકો ખાય પછી એને ખોલાય. સૂંડલાને મજબૂતાઈ મળી હોય, ઉપર રમચી કે ચૂનો ચઢે એટલે ચમકે... ઓરડાની શોભા વધારે.

સૂંડલા આજે તો લોખંડના, સ્ટીલનાં, એલ્યુમિનિયમનાં અને પ્લાસ્ટિકના તગારાં આવી ગયાં છે - ઘરમાં સૂપડું એક જ હોય પણ સૂંડલા તો ઘર દીઠ જરૂરિયાત પ્રમાણે બે ચાર તો હોય જ. ખાંડણિયામાં અનાજ ખંડાય, સૂપડે ઝટકાય, સૂડલે ભરાય, ઘંટીએ દળાય, ચૂલે ચઢે પછી જ ઉદરમાં જાય... એવી રીતે અહંકાર, મોહ, વાસના જેવા દૂષણોથી મુક્ત થયા પછી જ આપણે પણ આત્માની ઉન્નતિ કરી શકીએ. આ ધરેલુ ઉપકરણોમાં પણ એવી અર્થવ્યંજના સમાવિષ્ટ છે. આપણે સ્થૂળ ઉપયોગને જ નહિ, એની સૂક્ષ્મ અર્થવ્યંજનાને પણ માણીએ.

- ભગીરથ બ્રહ્મભટ્ટ

 

Related News

Icon