Home / Gujarat / Ahmedabad : CBI arrests Prince mastermind of gang defrauding Canadian-American citizens

કેનેડા-અમેરિકી નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ મુંબઇથી ઝડપ્યો

કેનેડા-અમેરિકી નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ મુંબઇથી ઝડપ્યો

CBIએ સાયબર ક્રાઇમ આચરતી રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઇથી ધરપકડ કરી છે. દરોડામાં રોયલ ટાઇગર ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને ત્યાંની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી. 45 હજારની ક્રિપ્ટો એસેટ્સ, ટેલિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેનેડા અને અમેરિકાના નાગરિકોને ફસાવવા માટે તૈયાર સ્કિપ્ટ, કેનેડા પોલીસ અને એજન્સીઓના નકલી ID પણ જપ્ત કરાયાં હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 સુત્રધાર પ્રિન્સ આનંદને મુંબઇમાંથી પકડી CBIએ મુંબઇ ઉપરાંત અમદાવાદમાં તેના સાગરિક કૌશલ ભાવસારના અમુક ઠેકાણાઓ ઉપર દરોડા પાડ્યા હતા. મુંબઇની CBI કોર્ટે પ્રિન્સ આનંદના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

CBIનું ઓપરેશન ચક્ર ફાઇવ

CBIએ ઓપરેશન ચક્ર ફાઇવના ભાગરૂપે મુંબઇ અને અમદાવાદમાં વિવિધ સ્થળે પાડેલા દરોડામાં પ્રિન્સ જસવંતલાલ તથા તેની ગેંગના વિવિધ સ્થળોએથી એક સોફિસ્ટિકેટેડ ઢબે ચાલતાં સાયબર ક્રાઇમને લગતા અનેક દસ્તાવેજો તથા સાધનો અને ઉપકરણો મળ્યાં હતા. કેનેડા તથા  અમેરિકાના નાગરિકોને ફસાવવા માટેની તૈયાર સ્કિપ્ટ્સ, કેનેડાની પોલીસ તથા અન્ય એજન્સીઓના ID, ટેલિકોમ ઉપકરણો વગેરે જપ્ત કરાયાં હતા.CBIના જણાવ્યા અનુસાર પ્રિન્સ પાસેથી 45 હજાર ડોલરની વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ પણ જપ્ત કરાઇ છે.

પ્રિન્સ આનંદને ત્યાં દરોડામાં જાણવા મળ્યું હતું કે તે એકદમ વૈભવી જીવનશૈલી ધરાવતો હતો, તેની પાસે લક્ઝરી કાર્સ, ડિઝાઇનર એસેસરીઝ સહિતની મોંઘીદાટ ચીજો હતી. તે વારંવાર વિદેશ પ્રવાસ ખેડતો હતો. તેણે સાયબર અપરાધો આચરીને પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી હોવાની પણ શંકા છે.

વિદેશી નાગરિકોને છેતરતી ગેંગ ઝડપાઇ

આ ગેંગ વિદેશી સરકારી એજન્સીઓ, બેન્કો અથવા તો યુટિલિટી કંપનીઓના પદાધિકારીઓ તરીકેનો સ્વાંગ રચી અમેરિકી કે વિદેશી નાગરિકોનો સંપર્ક કરતી હતી. તેઓ આ માટે AI દ્વારા વોઇસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો વિદેશી નાગરિકોને કાયદાકીય વ્યવહારો કે અન્ય બાબતોમાં ડરાવતા ધમકાવતા હતા અને તેમને વિવિધ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા. તેઓ આ નાણાકીય વ્યવહારોને છૂપાવવા માટે મોટાભાગે ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાકીય હેરફેર કરતા હતા. મુંબઇથી પ્રિન્સ જસવંતલાલ આનંદની ધરપકડ કરી CBI કોર્ટમાં રજૂ કરાંતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રોયલ ટાઇગર ગેંગ માટે અમેરિકી એજન્સીએ ચેતવણી આપી

અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન કમિશન્સ (FCC) દ્વારા અગાઉ પણ રોયલ ટાઇગર ગેંગ સાયબર ક્રાઇમમાં સામેલ હોવા અંગે ચેતવણી અપાઇ હતી. આ ગેંગને કન્ઝ્યુમર કોમ્યુનિકેશન ઇન્ફર્મેશન સર્વિસિસ થ્રેટ (સી-સીઆઇએસટી) તરીકે ઓળખાવી હતી. આ ગેંગના મુખ્ય સુત્રધારોમાં પ્રિન્સ જસવંતલાલ આનંદ તથા તેનો સાગરિત કૌશલ ભાવસાર સામેલ હોવાનું જણાવાયું હતું. FCC દ્વારા ગયાં વર્ષે જારી કરાયેલી એક નોટિસમાં જણાવાયું હતું કે રોયલ ટાઇગર ગેંગ દ્વારા અમેરિકાના લોકોને ગેરકાયદેસર રીતે કોલ કરી નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ રીતે આ ગેંગ કોમ્યુનિકેશન નેટવર્ક્સમાં ગ્રાહકોના વિશ્વાસને હાનિ પહોંચાડી રહ્યા છે.

ઓટોમેટેડ કોલ્સની 'રોબોકોલ્સ' ટેકનિકથી કેનેડાને અમેરિકામાં પૈસા પડાવતાં હતાં

રોયલ ટાઇગર ગેંગે અમેરિકી નાગરિકોને છેતરવા માટે રોબોકોલ્સ તરીકે ઓળખાતી ઓટોમેટેડ ફોન કોલ્સની ટેકનિક અજમાવતી હોવાનું જણાવાયું હતું. તેઓ ગ્રાહકોને છેતરવા માટે AI આધારિત વોઇસ ક્લોનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો ભારત ઉપરાંત અમેરિકા, યુકે તથા યુએઇમાં પણ પથરાયેલા હોવાનું જણાવાયું હતું.

 

Related News

Icon