Home / World : China and Pakistan preparations are on to form a new organization

SAARCનું મહત્વ ઘટાડવા ચીન અને પાકિસ્તાનની કૂટનીતિ, નવું સંગઠન બનાવવાની તૈયારી

SAARCનું મહત્વ ઘટાડવા ચીન અને પાકિસ્તાનની કૂટનીતિ, નવું સંગઠન બનાવવાની તૈયારી

ભારતની વિરૂદ્ધ મોરચો છેડવામાં અવ્વલ ચીન અને પાકિસ્તાન એક નવી કૂટનીતિ રમવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન અને ચીન એક નવા પ્રાદેશિક સંગઠનની રચના કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. આ નવું સંગઠન સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કોર્પોરેશન (SAARC)ના મહત્ત્વમાં ઘટાડો કરશે. આ પ્રોજેક્ટ ચીન લઈ આવ્યું છે અને પાકિસ્તાન તેને  સમર્થન આપી રહ્યું છે. ચીને હાલમાં જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનના પ્રતિનિધિઓની એક બેઠક યોજી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકીય સૂત્રોના હવાલે પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં પ્રકાશિત સમાચાર  મુજબ, ઈસ્લામાબાદ અને બેઈજિંગ વચ્ચે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. બંને પક્ષ ક્ષેત્રીય એકીકરણ અને સંપર્ક માટે એક નવુ સંગઠન બનાવવા સહમત થયા છે. આ નવુ સંગઠન સંભવિત રૂપે ક્ષેત્રીય બ્લૉક SAARCનું સ્થાન લઈ શકે છે. SAARCમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. ચીન SAARCનો સભ્ય નથી. પરંતુ નવુ સંગઠન બનાવી ચીન દક્ષિણ એશિયાના દેશો પર રાજદ્વારી અને વ્યૂહાત્મક પ્રભાવ જમાવવા માગે છે. SAARCના તમામ દેશો ચીન સાથે ગાઢ આર્થિક સંબંધ ધરાવે છે. 

2014થી SAARCની કોઈ બેઠક નહીં

દક્ષિણ એશિયાઈ દેશોનું એક શક્તિશાળી સંગઠન  SAARC આજે ફક્ત નામ બની ગયું છે. 2014માં કાઠમંડુમાં યોજાયેલી છેલ્લી શિખર બેઠક પછી તેનું દ્વિવાર્ષિક શિખર સંમેલન યોજાયું નથી. 2016ની સાર્ક સમિટ ઇસ્લામાબાદમાં યોજાવાની હતી. પરંતુ તે વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય સૈન્ય છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ ભારતે "વર્તમાન પરિસ્થિતિઓ" ને ટાંકીને સમિટમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો. ભારતના ઈનકાર બાદ બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ ઇસ્લામાબાદમાં યોજાનારી આ પરિષદમાં આવવાનો ઇનકાર કર્યો હતો. અંતે પાકિસ્તાનને આ પરિષદ રદ કરવી પડી હતી.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીને યોજી બેઠક

તાજેતરમાં ચીનના કુનમિંગમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક આ સંગઠનને નક્કર આકાર આપવા માટે રાજદ્વારી દાવપેચનો એક ભાગ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય SAARCનો ભાગ રહેલા અન્ય દક્ષિણ એશિયન દેશોને નવા જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવાનો હતો. જોકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઢાકા, બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે કોઈપણ ઉભરતા જોડાણના વિચારને નકારી કાઢ્યો હતો. 

SAARC ની રચના

સાઉથ એશિયા એસોસિએશન ફોર રિઝનલ કોર્પોરેશન (SAARC) એ દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સહયોગ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે 1985માં સ્થાપિત એક મહત્વપૂર્ણ સંગઠન છે. તેના સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, માલદીવ અને અફઘાનિસ્તાન છે. આ દેશોનો ઉદ્દેશ્ય પ્રાદેશિક એકતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનો છે. SAARC સભ્યો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સહયોગ, ગરીબી નિવારણ, વેપાર, શિક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પ્રગતિને મજબૂત બનાવવા માટે કાર્ય કરે છે.

 

Related News

Icon