
મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ ભૂપેશ બઘેલને સીબીઆઈએ આરોપી બનાવ્યા છે. સીબીઆઈએ કહ્યું કે, તે પણ લાભાર્થીઓમાં સામેલ હતો. સીબીઆઈએ કહ્યું છે કે બઘેલ આ કૌભાંડના લાભાર્થીઓમાંના એક છે. FIRમાં ૧૯ નામાંકિત આરોપીઓમાંથી બઘેલને છઠ્ઠા આરોપી તરીકે લીસ્ટેડ કરાયા છે. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં નોંધાયેલી FIRમાં CBI એ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલનું નામ આરોપી તરીકે રાખ્યું છે.
૫૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ
મહાદેવ સટ્ટાબાજી એપના 5,000 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડમાં છત્તીસગઢ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા નોંધાયેલી FIRમાં બઘેલનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસના આધારે પોલીસે FIR નોંધી હતી. એફઆઈઆરમાં ૧૯ નામાંકિત આરોપીઓમાંથી બઘેલને છઠ્ઠા આરોપી તરીકે દર્શાવાયા છે.
સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો રિપોર્ટ
જો રાજ્ય સરકાર કોઈ કેસની તપાસ સીબીઆઈને સોંપે તો પ્રક્રિયા મુજબ કેન્દ્રીય એજન્સી રાજ્ય પોલીસની એફઆઈઆરને પોતાના કેસ તરીકે ફરીથી નોંધે છે. FIR મુજબ કેન્દ્રીય એજન્સી કેસની તપાસ કરીને અંતિમ રિપોર્ટ વિશેષ કોર્ટમાં રજૂ કરે છે. જણાવી દઈએ કે, 26 માર્ચે સીબીઆઈએ બઘેલના નિવાસસ્થાન સહિત 60 સ્થળોએ દરોડા પાડીને આ મામલે ઊંડી તપાસ કરી હતી.