
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાયપ્રસની મુલાકાત લેશે. તેઓ આવું કરનારા દેશના ત્રીજા વડાપ્રધાન હશે. સાયપ્રસ બાદ પીએમ મોદી G7 સમિટ માટે કેનેડાની મુલાકાત લેશે. કેનેડાથી સ્વદેશ પરત ફરતી વખતે તેઓ ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. ભારત યુરોપમાં તેની ભૂમિકા વધારવા માંગે છે અને આ તેમના પ્રવાસ કાર્યક્રમોમાં પણ જોવા મળી રહ્યું છે. સાયપ્રસ અને ક્રોએશિયા બંને યુરોપિયન યુનિયન (EU) ના સભ્યો છે. સાયપ્રસ આવતા વર્ષના પ્રથમ છ મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલની અધ્યક્ષતા પણ કરશે. અગાઉ, પીએમ મોદી ગયા મહિને ક્રોએશિયાની મુલાકાત લેવાના હતા. આ સાથે તેઓ નેધરલેન્ડ અને નોર્વેની પણ મુલાકાત લેવાના હતા. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ મુલાકાત રદ કરવામાં આવી હતી.
પીએમ મોદીની સાયપ્રસ મુલાકાત તૂર્કિયે-પાકિસ્તાન માટે સંદેશ
G7 સમિટ આગામી તા. 15 થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટામાં યોજાનાર છે. વડાપ્રધાન તેના છેલ્લા દિવસે એક ખાસ સત્રમાં ભાગ લેશે. કેનેડા તરફથી અચાનક આમંત્રણ મળતા વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ નક્કી થયો નથી. પરંતુ, સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્વિપક્ષીય બેઠકો યોજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ, આ પહેલાં સાયપ્રસની તેમની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 2002માં અટલ બિહારી વાજપેયી અને 1983 માં ઇન્દિરા ગાંધી પછી સાયપ્રસની આ પહેલી ભારતીય વડાપ્રધાનની મુલાકાત હશે.
જમ્મુ- કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી તૂર્કિયે જે રીતે પાકિસ્તાનના આતંકવાદને ટેકો આપ્યો છે, જેના કારણે ભારત સાથે તણાવ વધ્યો છે. તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગન પણ પાકિસ્તાન સાથે એકતા દર્શાવી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની સાયપ્રસની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
સાયપ્રસના પ્રદેશ પર તૂર્કિયે સેનાનો બળજબરીથી કબજો
હકીકતમાં તૂર્કિયે ઉત્તરી સાયપ્રસને 'ઉત્તરી સાયપ્રસનું તૂર્કિયે પ્રજાસત્તાક' તરીકે માન્યતા આપી છે. આ વિસ્તાર પર 1974 માં તૂર્કિયે સેનાએ બળજબરીથી કબજો કર્યો હતો. પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં ગેસ શોધવાના અધિકારો અંગે પણ તૂર્કિયે અને સાયપ્રસ વચ્ચે વિવાદ થયો છે. ભારત હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને આંતરરાષ્ટ્રીય કાયદાના ઠરાવો દ્વારા સાયપ્રસ સમસ્યાનો ઉકેલ ઇચ્છતું રહ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે, તેમ છતાં પણ તૂર્કિયે પાકિસ્તાનની સાથે ઉભું છે. તેથી, ભારત સાયપ્રસ અને ગ્રીસ સાથે તેના સંબંધો મજબૂત કરી રહ્યું છે. ભારત સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારી રહ્યું છે. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. તેમણે 2023 માં એથેન્સની મુલાકાત લીધી.