
64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યુ છે. અમદાવાદમાં 'ન્યાયપથ'થીમ આધારિત આ અધિવેશનમાં પક્ષની દિશા-દશા મુદ્દે મહામંથન કરાશે સાથે સાથે ગુજરાત સહિત દેશમાં સાંપ્રત સમસ્યાઓને લઇને વિચાર વિમર્શ કરાશે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપને હરાવવાને લઇને હાઇકમાન્ડ સક્રિય બન્યું છે ત્યારે ભ્રષ્ટાચાર, સરકારી યોજનાઓમાં અનિયમિતતા, સામાજીક અન્યાય, બેરોજગારી ઉપરાંત સામાજીક અન્યાય મુદ્દે લડત લડી કોંગ્રેસ ભાજપને ચૂંટણી મેદાને મ્હાત આપવા મજબૂત એક્શન પ્લાન પણ ઘડશે. અધિવેશનમાં ભાગ લેવા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિતના ટોચના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે.
30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. આ જોતાં હાઇકમાન્ડે મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા નક્કી કર્યુ છે. અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે.આ અધિવેશનમાં રાજ્યોના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિતો સહિત દેશભરમાંથી ડેલિગેટ ઉપસ્થિત રહેશે. CWC બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે.
રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કેમ કરાઇ...
સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે સાથે સાથે 1924માં રાષ્ટ્રીય અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સંયોગથી આ વર્ષે તેનું શતાબ્દી વર્ષ છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રાજકીય વારસાને પાછો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. એટલા માટે કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતનો રસ્તો પસંદ કર્યો છે. સરદાર સ્મારક બેઠક યોજવા પાછળનો તર્ક એ છે કે, સરદાર પટેલ જેવા લોખંડી મહાપુરૂષના ઓરાનો પ્રતાપ છે. ઉર્જાનો સંચાર થાય તે માટે અહી બેઠક યોજવામાં આવી છે.