
હાલ ગરમી સિઝન ચાલી રહી છે અને વેકેશનનો સમય છે. ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, તળાવ અને ચેકડેમમાં ન્હાવા જતા હોય છે. પરંતુ ઘણીવાર આ મોજ મસ્તી ખૂબ ભારે પડી જતી હોય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. જેમાં મામા-ફોઇના ભાઇઓ નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર નજીક આવેલી ભોગાવો નદીમાં પાણી હોવાથી લોકો અવાર-નવાર નદીએ સ્નાન કરવા જતા હોય છે. ત્યારે ગરમીની સિઝનમાં મામા-ફોઇના બે ભાઇઓ નદીમાં ન્હાવા માટે કૂદ્યા હતા, આ દરમિયાન તે નદીની વચોવચ પહોંચી ગયા હતા અને બહાર નીકળી ન શકતા બંને પિતરાઇ ભાઇઓ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફાયરની ટીમે ત્રણ કલાકની ભારે જહેમત બાદ બંને ભાઇઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ કિશોરસિંહ જાડેજા, અજયસિંહ પરમાર તરીકે કરવામાં આવી છે. બંને ભાઇઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. અચાનક બે ભાઇઓના અકાળે મોતથી ભારે શોકનો માહોલ છવાયો છે. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.