
મહેસાણાના કડીમાંથી એક હૃદયદ્રાવક સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પતિ-પત્ની અને 10 વર્ષના બાળકે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે.
વ્યાજખોરોના ત્રાસથી પરિવારે જીવન ટૂંકાવ્યું?
મળતી માહિતી અનુસાર, મહેસાણાના કડીમાં શંખેશ્વરમાં રહેતા 38 વર્ષીય ધર્મેશભાઈ પંચાલ, તેમની 26 વર્ષીય પત્ની ઉર્મિલાબેન અને 10 વર્ષીય પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. મૃતકોની કારમાંથી એક મોબાઈલ અને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ નોટના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ આ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું મનાય છે. સ્યુસાઇડ નોટમાં નાણાં અને વ્યાજ પર વ્યાજના ઉલ્લેખ છે, પરંતુ વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે અને પરિવારના અન્ય સભ્યોના નિવેદનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઊંચું વ્યાજ વસુલતા શંખેશ્વરના 10 વ્યાજખોરો સામે ફરિયાદ
આપઘાત માટે દુષ્પ્રેરણ કરનાર 10 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ઊંચું વ્યાજ વસુલતા શંખેશ્વરના 10 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે, પરિવારે 15 દિવસ પહેલા આત્મહત્યા કરી હતી.