
- રૂપાબાએ કહ્યું 'હું એક મહિનામાં રાજ્યને રાક્ષસથી મુક્ત કરી દઇશ!' રાજા કહે,'પુત્રી,તું ધારે છે એટલું કામ સહેલું નથી. આપણું લશ્કર પણ રાક્ષસને મારવામાં સફળ થયું નથી'
નંદનવનમાં નંદકુમાર નામનો રાજા રાજ કરે. તેને એક પુત્રી હતી. તેનું નામ રૂપાબા હતું. રૂપાબા રૂપરૂપના અંબાર. વળી હિંમતવાન પણ એટલા જ!
એક રાત્રે નંદનવનમાં એક રાક્ષસ ચડી આવ્યો. હવે તે રોજ રાત્રે આવવા લાગ્યો. કોઈ પણ એક માણસ કે મોટા પશુને ઉપાડી જવા લાગ્યો. નગરમાં હાહાકાર મચી ગયો.
સેનાપતિ અને સૈનિકોએ તેને ભગાડવા ખૂબ કોશિશ કરી પણ તે પકડમાં આવતો નહીં. તેનું શરીર ખૂબ જ મોટું અને ભયાનક હતું. સૈનિકોનાં બાણની પણ તેના શરીર પર કશી અસર થતી નહોતી. દિવસે ને દિવસે તેનો ત્રાસ વધતો જતો હતો. હવે તે કારણ વગર બે ચાર માણસો કે પશુઓને ઉપાડી જતો.
રાજાએ દરબારમાં કહ્યું કે,'રાક્ષસથી બચવાનો કોઈ તો ઉપાય બતાવો? ગમે તે ભોગે આપણે તેને મારવો જ પડશે.'
બધા દરબારીઓ નીચું મોઢું કરીને બેસી રહ્યા. રાજકુમારી રૂપાબાએ રાક્ષસને મારવાનું બીડું ઝડપ્યું. તેણે કહ્યું,'હું એક મહિનામાં આપણા રાજ્યને રાક્ષસથી મુક્ત કરી દઇશ!'
'પુત્રી,તું ધારે છે એટલું કામ સહેલું નથી. આપણું લશ્કર પણ રાક્ષસને મારવામાં સફળ થયું નથી,' રાજા બોલ્યા.
'તમે મારા પર વિશ્વાસ રાખો',એમ બોલી તે દરબારમાં જતી રહી.
મહેલે આવી તેણે ખૂબ વિચાર કર્યો. પછી જંગલમાં જવા નીકળી. જંગલમાં આગળ વધતી હતી ત્યાં તેને એક ઝૂંપડી દેખાઈ. તે ઝૂંપડી પાસે ગઈ. તેમાં એક વૃદ્ધ આરામ કરી રહ્યા હતા. રાજકુમારી તેને પગે લાગી. વૃદ્ધે કહ્યું,'મને ખૂબ જ અશક્તિ છે. જંગલમાંથી મારા માટે ફળ તોડીને લાવ,જેથી હું ખાઈ શકું ને મારામાં તાકાત આવે તો ઊભો થઈ શકું.'
રાજકુમારી તરત જ જંગલમાં ફળ લેવા ગઈ,સાથે પાણીનું માટલું પણ લેતી ગઈ. થોડાક સમયમાં જ તે ફળ અને પાણીનું માટલું લઈને આવી. તેણે સાચા દિલથી એક અઠવાડિયા સુધી વૃદ્ધની સેવા કરી.
આ કોઈ સાધારણ વૃદ્ધ નહોતા. ખરેખર તો તેઓ ઋષિ હતા. ઋષિએ કહ્યું,'હું તારી પરીક્ષા કરી રહ્યો હતો. તેં નિ:સ્વાર્થ ભાવે મારી સેવા કરી છે. આથી હું તારા પર પ્રસન્ન થયો છું. માંગી લે બેટા,તારે જે માંગવુ હોય તે.'
રૂપાબાએ બે હાથ જોડીને ઋષિને કહ્યું,'અમારા રાજ્યમાં હમણાં એક રાક્ષસનો ખૂબ ત્રાસ આપે છે. મારે આ રાક્ષસના ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરવી છે. તમે આ રાક્ષસ કેવી રીતે મૃત્યુ પામે તે કહો.'
રાજકુમારીની વાત સાંભળી ઋષિ ધ્યાનમાં બેસી ગયા. થોડીવારે આંખ ખોલી બોલ્યા,'આ રાક્ષસ માતાજીની આરતી ઉતારે તો જ તે મૃત્યુ પામે'.
ઋષિનો આભાર માની તે નગરમાં પાછી ફરી.
બે દિવસ પછી રાક્ષસના આવવાના સમયે રાજકુમારી એકલી બહાર ગઈ. થોડા સમય પછી રાક્ષસ આવ્યો. તે તો ક્યાંય સુધી રાજકુમારીને જોતો જ રહ્યો.
રાજકુમારી એ રાક્ષસને પ્રણામ કર્યા. રાક્ષસ તો ખુશ થઈ ગયો. રાક્ષસે રાજકુમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાજકુમારી એ સહર્ષ સ્વીકારી લીધો.
રાજકુમારી એ કહ્યું કે,'હવે તમે એક અઠવડિયા પછી આવજો. ત્યાં સુધી અહી આવતા નહીં. નગરના લોકોને હેરાન કરતા નહીં. આવતા અઠવાડિયે આપણે ચોક્ક્સ લગ્ન કરીશું,પણ મારી એક શરત છે. તમારે આંખો બંધ કરીને મારી આરતી ઉતારવી પડશે. જો તમે મારી આરતી ઉતારશો તો ચોક્ક્સ હું તમારી સાથે લગ્ન કરીશ.'
'બસ એટલી જ વાત છે! હું ચોક્ક્સ આંખો બંધ કરીને તારી આરતી ઉતારીશ,' આમ બોલી તે જતો રહ્યો.
રાક્ષસ તો માંડ અઠવાડિયું પસાર કરી શક્યો. અઠવાડિયા પછી રાક્ષસ વટભેર મેદાનમાં ઊભો રહ્યો. મોટા પડદા આગળ રાજકુમારી ઊભી રહી ગઇ. પડદા પાછળ માતાજીની મૂર્તિ રાખી હતી.
રાક્ષસના હાથમાં આરતીની થાળી આપવામાં આવી. રાજકુમારી પડદા પાસે ઊભી રહી ગઈ. રાજકુમારી એ રાક્ષસને કહ્યું કે,'હવે આંખો બંધ કરી દો. પછી આરતી ઉતારવાનું શરૂ કરો.'
રાક્ષસે આંખો બંધ કરતા જ પડદો હટાવી લેવામાં આવ્યો. રાજકુમારી એકબાજુ ખસી ગઈ. રાક્ષસે આરતીનું એક ચક્કર પૂરું કર્યું ત્યાં તો મોટો અવાજ થયો. રાક્ષસ ઢળી પડયો. તેના રામ રમી ગયા. રાક્ષસનું મૃત્યુ થતાં જ બધાં આનંદમાં આવી ગયા અને રૂપાબાની જય બોલાવવા લાગ્યાં.
- પ્રકાશ કુબાવત