
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પોશીત્રા ગામ જેમાં પંચાયતમાંથી જમીન રેકોર્ડમાં બે ચોપડા ગુમ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાંએ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ખેડૂતોનું કહેવું છે કે, છ નંબર ઉતરોતર ન નીકળતા હોવાથી ખેડૂતોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ખેડૂતોને ધિરાણ માટે ટીસી કરવું હોય નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવી હોય કે અન્ય કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય ત્યારે ઓનલાઇન રેકોર્ડ ન નીકળતો હોવાથી પોશીત્રા ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આજે ખેડૂતો સાથે મળી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન આપી વહેલી તકે ઉકેલ લાવવા માટે જણાવાયું છે. અન્યથા પોશીત્રા ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એવી ધમકી પણ આપેલી છે.