
ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે (27મી જૂન) હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમ સિંહ છોકર અને તેમની સાથે જોડાયેલી કંપનીઓની 557 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી કુલ સંપત્તિનો આંકડો 638 કરોડ રૂપિયાને વટાવી ગયો છે. આ કેસ મહિરા ઈન્ફ્રાટેક લિમિટેડ(Mahira Infratech Limited), જે અગાઉ સાઇ આઈના ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ(Sai Aina Farms Private Limited) તરીકે ઓળખાતો હતો અને ધર્મ સિંહ છોકરના(Dharm Singh Chhokar) સહયોગીઓ સાથે જોડાયેલો છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં ગુરુગ્રામના સેક્ટર 68, 103 અને 104માં ફેલાયેલી 35 એકર જમીન, રહેણાંક અને વાણિજ્યિક મિલકતોનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બનાવટી બેન્ક ગેરંટી રજૂ કરીને ગુરુગ્રામમાં સસ્તા આવાસ પ્રોજેક્ટ્સ માટે લાઈસન્સ મેળવ્યા હતા. આ પ્રોજેક્ટ્સના નામે લગભગ 3,700 લોકો પાસેથી 616 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. તેમ છતાં કંપનીએ સમયસર ઘર સોંપ્યા ન હતા અને ભંડોળનો કથિત રીતે દુરુપયોગ કરાયો હતો.
પૈસા ક્યાં ગયા?
EDની તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીના ડિરેક્ટરો અને પ્રમોટરોએ બનાવટી બાંધકામ ખર્ચ બતાવીને તેમની સહયોગી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત ખરીદદારો પાસેથી એકત્ર કરાયેલા ભંડોળને જૂથની અન્ય કંપનીઓને લોન તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ઈડીએ ગુરુગ્રામની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેની કોર્ટે નોંધ લીધી છે. અગાઉ, ફેબ્રુઆરી અને માર્ચમાં 81 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. મહિરા ગ્રુપના પ્રમોટર સિકંદર સિંહની 30મી એપ્રિલ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમ સિંહ છોકરને 6 બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કર્યા બાદ પાંચમી મે 2024ના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ધરમ સિંહ છોકર અને તેમના સહયોગીઓએ સસ્તા આવાસ પ્રોજેક્ટ્સના નામે લોકોને જાણી જોઈને છેતર્યા હતા. વ્યક્તિગત લાભ માટે નકલી કંપનીઓ દ્વારા ભંડોળ વાળવામાં આવ્યું હતું.