
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં મોતનો આંકડો 22 સુધી પહોંચ્યો છે. ત્યારે વહીવટી તંત્રની ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા ડીસામાં તપાસ હાથ ધરવામાં આવતા વઘુ એક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. જેમાં ગોડાઉનમાંથી લાઇસન્સ વિના સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવતા ગેરકાયદે સંગ્રહ કરાયેલો જથ્થો જપ્ત કરી વઘુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોડાઉનમાંથી લાઇસન્સ વિના સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો
ડીસાના ફટાકડા ગોડાઉન બ્લાસ્ટમાં 21 લોકોના મોત મામલે આરોપીઓ ખૂબચંદ સિંધી અને તેમના પુત્રની સાપરાધ મનુષ્યવધ તેમજ અન્ય ગુનામાં FIR બાદ ધરપકડ કરવામાં આવી હતી, જે ગુનામાં 10 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીઓના 11 એપ્રિલ 2025ના બપોરના 11:30 કલાક સુધીના જામીન મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધા હતાં.
રાજ્યની બહાર હાથ ધરાઈ તપાસ
પોલીસ દ્વારા રાજ્ય બહાર પણ આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી આરોપી બ્લાસ્ટનું કારણ બનેલું રસાયણ ક્યાંથી લાવ્યા હતાં? આરોપી કેટલાં સમયથી ગેરકાયદે વ્યવસાય કરતા હતા? અન્ય સહમતદારોની ભૂમિકામાં કોણ-કોણ છે? જેવા સવાલોના જવાબ મળી શકે.
આ ઘટનામાં મૃત્યુઆંક 22 સુધી પહોંચ્યો છે. ત્યારે ડીસાના સ્થાનિક વહીવટી તંત્રની ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસામાં મામલતદાર અને નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં છ જેટલી જગ્યાએ તપાસ કરવામં આવી હતી. આ તપાસ દરમિયાન લાટી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન ઝડપાયું હતું. ડીસા પાલિકા દ્વારા જણાવ્યા મુજબ, આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે, જે લાઇસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદે રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રહ્યાં હતા. તંત્રએ ગેરકાયદે સંગ્રહ કરાયેલો ફટાકડાનો જથ્થો જપ્ત કરી વઘુ કાર્યવાહી હાથ ધરી હતી.