ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે. નકલી અધિકારી, નકલી ઓફિસરોની જેમ નકલી ડોક્યુમેન્ટ ચર્ચાસ્પદ બન્યા છે. વડોદરા શહેરમાં બોગસ દાખલા સાથે આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ કરાયો હતો. નકલી જન્મનો દાખલો લઇ દંપતી કચેરીમાં આવતા અધિકારી ચોંક્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના સબંધિત અધિકારીની ખોટી સહી સાથેનો દાખલો મળી આવતા ખળભળાટ મચ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલા સાયબર કેફેમાંથી નકલી દાખલો બનાવ્યાની કેફીયત સામે આવી છે. મૂળ ઉતરપ્રદેશના અને હાલ વડોદરામાં રહેતા મુન્ના પાશવાને પોતાની દીકરી ખુશ્બૂ માટે નકલી જન્મનો દાખલો બનાવ્યો હતો. સાયબર કેફેવાળાએ માત્ર 500 રૂપિયા આપીને નકલી દાખલો બનાવ્યો હતો.
વડોદરામાં રહેતું યુપીનું પાસવાન દંપતી નકલી દાખલો લઈને આધાર કાર્ડ કઢાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની આધાર કાર્ડ કચેરી ખાતે પહોંચ્યું હતું. અહીં ડોક્યુમેન્ટની ખરાઈ કરાતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે રાવપુરા પોલીસને જાણ કરાઈ હતી. રાવપુરા પોલીસે દંપતીની પૂછપરછ કરી હતી. નકલી દાખલો બનવાનાર ભેજાબાજોને પકડવા માટે પોલીસે હાથ ધરી હતી.