ગુજરાતભરમાં નકલી ઝડપાવવાની હોડ લાગી રહી છે તેમ સતત નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી અધિકારી સહિત અનેક બોગસ વ્યાવસાયિકો ઝડપાયા છે. એવામાં હવે વડોદરામાંથી નકલી સરકારી દસ્તાવેજનો પર્દાફાશ થઈ રહ્યો છે. આધારકાર્ડ કઢાવવા માટે આવેલા યુવકનો જન્મ દાખલો નકલી નીકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલનો નકલી જન્મ દાખલો બનતા હડકમ્પ મચી જવા પામ્યો છે.
વડોદરા શહેરમાં આધાર કાર્ડ વિભાગના અધિકારી શમિક જોશીનું ધ્યાન જતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અરજદારે 600 રૂપિયામાં જન્મનો દાખલો કઢાવ્યો હતો. અરજદારનો જન્મ ઉત્તરપ્રદેશનો છે અને દાખલો વડોદરાની જમના બાઈ હોસ્પિટલમાં કાઢ્યો હોવાની વાત સામે આવી રહી છે. અરજદાર શાકભાજીનો વ્યવસાય કરે છે. આધારકાર્ડ કઢાવવા જતા નકલી જન્મ દાખલાનો ભાંડો ફૂટ્યો હતો.
આધાર કાર્ડ અધિકારી શમિક જોશીએ જણાવ્યું કે, એક અરજદાર અમારી ઓફિસ પર આધાર કાર્ડ માટે આવ્યા અને જરુરી પુરાવામાં અરજદારે જન્મનો દાખલો રજૂ કર્યો અને જોઈને જ તે નકલી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ખૂબ જ ગંભીર બાબત છે.