
અત્યાર સુધી તમે બોલિવૂડ ફિલ્મોમાં જોયું હશે કે લોકો હોશિયારી વાપરીને છેતરતા હોય છે. પરંતુ પંજાબના ફિરોઝપુરમાં ફિલ્મ જેવો જ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતા-પુત્રની જોડીએ કોઈ દુકાન, ખેતર કે મકાન નથી વેચ્યું, પરંતુ તેમણે ભારતીય વાયુસેનાની ઐતિહાસિક એરસ્ટ્રીપ વેચી નાખી છે, જ્યાંથી વર્ષ 1962, 1965 અને 1971માં આપણા બહાદુર ફાઇટર પાઇલટ્સે ત્રણ યુદ્ધોમાં દુશ્મનોનો સામનો કર્યો હતો. 28 વર્ષ પહેલા માતા-પુત્રની જોડીએ આ છેતરપિંડી આચરી હતી. જેનો ખુલાસો હાઇકોર્ટના નિર્દેશ અને વિજિલન્સ તપાસ પછી થયો હતો.
છેતરપિંડીનો ખુલાસો કેવી રીતે થયો?
આ કેસનો ખુલાસો એક વ્હિસલબ્લોઅરની ફરિયાદથી શરુ થયો હતો. નિશાન સિંહ નામના નિવૃત્ત રેવન્યુ ઇન્સ્પેકટરની ફરિયાદ દ્વારા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમણે પંજાબ વિજિલન્સ બ્યુરોના ડિરેક્ટરને પત્ર લખીને આ મામલાની તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે ડુમનીવાલા ગામના ઉષા અંસલ અને તેમના પુત્ર નવીન ચંદ અંસલે મહેસૂલ અધિકારીઓ સાથે મળીને જમીનની ખોટી માલિકી સાબિત કરી અને તેને વેચી દીધી હતી.
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ
જોકે, આ કેસમાં ફરિયાદ મળ્યા પછી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે નિશાન સિંહે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. આ બાબતને ગંભીર ગણીને કોર્ટે પંજાબ વિજિલન્સ બ્યુરોના મુખ્ય નિયામકને આ બાબતની સત્યતા તપાસવા અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.
તપાસનો રિપોર્ટ શું કહે છે?
તપાસમાં જાણવા મળ્યું કે આ એરસ્ટ્રીપ પંજાબના ફિરોઝપુરના ફટ્ટુવાલા ગામમાં આવેલી છે, જે પાકિસ્તાન બોર્ડરની ખૂબ નજીક છે. આ જમીન બ્રિટિશ શાસન દ્વારા 12 માર્ચ, 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ ઍરફોર્સને ફાળવવામાં આવી હતી. બાદમાં આ જમીન ભારતીય વાયુસેનાના કબજા હેઠળ આવી અને ત્રણ યુદ્ધોમાં તેનો ઉપયોગ લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવ્યો.
બોગસ વેચાણ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા
જ્યારે કેસની તપાસ કરવામાં આવી, ત્યારે એ પણ સ્પષ્ટ થયું કે ઉષા અંસલ અને નવીન ચંદ અંસલે કેટલાક નીચલા સ્તરના અધિકારીઓની મિલીભગતથી આ જમીનમાં હેરાફેરી કરીને પોતાને આ જમીનના માલિક તરીકે દર્શાવ્યા હતા. આ પછી, 1997માં તેને અન્ય લોકોને વેચી દેવામાં આવી. આશ્ચર્યજનક વાત એ છે કે વાસ્તવિક માલિક મદન મોહન લાલનું 1991માં અવસાન થયું, છતાં 1997માં બોગસ વેચાણ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.
છેતરપિંડીમાં બીજું કોણ સામેલ હતું તેની તપાસ
હાઇકોર્ટના આદેશ પર વિજિલન્સ તપાસ પૂર્ણ થયા પછી હવે આ કેસમાં FIR નોંધવામાં આવી છે. આ કેસમાં IPCની કલમ 419, 420, 465, 467, 471 અને 120B લાગુ કરવામાં આવી છે. હવે આ કેસની તપાસ ડીએસપી કરણ શર્માના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે આ છેતરપિંડીમાં બીજું કોણ સામેલ હતું તે શોધવામાં આવી રહ્યું છે.
જમીન ફરીથી સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવી
હાઇકોર્ટના ઠપકો અને વિગતવાર તપાસ પછી આ જમીન આખરે મે 2025માં ઔપચારિક રીતે સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવી. પંજાબ વહીવટીતંત્રે પણ તેના રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે આ જમીન હજુ પણ રૅકોર્ડમાં 1958-59 જેવી જ છે અને સેનાના કબજામાં જ છે.
રાષ્ટ્રીય સુરક્ષા પર પણ પ્રશ્નો ઊભા થયા હતા
ફિરોઝપુરના ડેપ્યુટી કમિશ્નરે આવા ગંભીર મામલે સમયસર કાર્યવાહી ન કરતા બદલ હાઇકોર્ટે તેમને પણ ઠપકો આપ્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું કે આનાથી રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ શકે છે, કારણ કે જો સરહદ નજીકની આટલી મહત્ત્વપૂર્ણ જમીન ખોટા હાથમાં જાય છે, તો તે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આવા મામલાને અવગણી શકાય નહીં.