અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.
રૂપાણીના નિધન બાદ એક દિવસનો રાજ્યવ્યાપી શોક
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન બાદ રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે રૂપાણીના માનમાં 16 જૂને એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટ ખાતે કરવામાં આવશે.