Home / : Peace on the ground, war in sky: India's amazing air defense system

Ravi Purti : જમીન ઉપર શાંતિ, આકાશમાં યુદ્ધ ભારતની અદભૂત એર ડિફેન્સ સિસ્ટમ

Ravi Purti : જમીન ઉપર શાંતિ, આકાશમાં યુદ્ધ ભારતની અદભૂત એર ડિફેન્સ સિસ્ટમ

- ફયુચર સાયન્સ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઓપરેશન સિંદૂર બાદ,પાકિસ્તાનને શરૂ કરેલ યુદ્ધ જેવી હરકતથી, સમગ્ર દેશમાં ગુસ્સા, ઉત્તેજના અને તનાવનો માહોલ ફેલાયો હતો. સરહદ ઉપર આવેલ રાજ્ય એટલે કે ગુજરાત,રાજસ્થાન,પંજાબ જમ્મુ અને કાશ્મીરમાં રાત્રે બ્લેક આઉટ અને ભયનો માહોલ પણ લોકોએ અનુભવ્યો છે. આ બધા વચ્ચે રાહતની વાત એ હતી કે ભારતનની ત્રણેય લશ્કરી પાંખો સક્રિય બની ગઈ હતી. આંતરરાષ્ટ્રીય સીમા અને સીમા પાસે આવેલ શહેરો અને ગામોનું રક્ષણ કરવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન દ્વારા ડ્રોન, ફાઈટર પ્લેન, મિસાઈલ અને હાઇપરસોનિક પ્રોજેક્ટાઇલ્સથી હુમલા કરવામાં આવ્યા હતા. ભારતની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા એટલી મજબૂત હતી કે તેણે નાગરિકો અને જાનમાલના રક્ષણ કરવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. વિજ્ઞાન,ટેક્નોલોજી અને ડિજિટલ ઇન્ટરનેટના જમાનામાં, માહિતીનો ભરપૂર વિસ્ફોટ થયો હતો. સાચું શું અને ખોટું શું? તે તારવવામાં મુશ્કેલીઓ ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું. સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યુઝ, વૉર રૂમ પ્રોપેગેન્ડાનું હાથવગું સાધન બની ગયું હતું. માત્ર ભારતના નાગરિકો જ નહીં, પાકિસ્તાની લોકો પણ જાણવા માગતા હતા કે ભારતે કેવા પ્રકારની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા ગોઠવી છે. કે પાકિસ્તાન ગણતરીના દિવસોમાં ઘૂટણીએ પડી ગયું હતું? યુદ્ધનો માહોલ શાંત થતા, હવે આ સવાલનો જવાબ આપવો સરળ બની ગયો છે.  

ભારતનું અજેય કવચ કારગિલથી સિંદૂર સુધી   

દાયકાઓથી ભારતને પાકિસ્તાન તરફથી બેલિસ્ટિક મિસાઇલ હુમલાનો ખતરો રહ્યો છે, જેણે ચીન પાસેથી 'એમ-૧૧' નામની મિસાઇલો મેળવીને તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. આના જવાબમાં ભારતે રશિયાની 'એસ-૩૦૦' સરફેસ-ટુ-એર મિસાઇલ વ્યવસ્થાની ખરીદી કરી, જેનો ઉપયોગ નવી દિલ્હી જેવાં મહત્ત્વના શહેરોની સુરક્ષા માટે કરવામાં આવ્યો છે. જોકે, 'એસ-૩૦૦' તે સમયે અસરકારક હોવા છતાં, હવાઈ જોખમોની બદલાતી પ્રકૃતિનો સામનો કરવામાં સક્ષમ ન ગણાય, જેના કારણે ભારતે એક વધુ વ્યાપક અને બહુસ્તરીય અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો. કારગિલ યુદ્ધ પછી ભારતે બહુસ્તરીય હવાઈ સંરક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે પગલું ભર્યું કારણ કે કારગિલ યુદ્ધે ભારતની હવાઈ સુરક્ષામાં રહેલી કેટલીક ખામીઓને સંરક્ષણ નિષ્ણાતોની નજરમાં લાવી દીધી હતી. ખામીઓને દૂર કરવા માટે અટલ બિહારી વાજપેયીની સરકારે 'ભારતીય બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ કાર્યક્રમ'ની રૂપરેખા તૈયાર કરી, તેના ઉપર કામ શરું કર્યું હતું. આ સંરક્ષણ કાર્યક્રમનો ધ્યેય બે અલગ અલગ મકસદ સાથે   હવાઈ સુરક્ષા પ્રણાલી વિકસાવવાનો હતો. જે ખૂબ જ ઊંચી અને અત્યંત નીચી, એમ બંને પ્રકારની ઊંચાઈ પર થનાર હવાઈ હુમલો કરનાર મિસાઇલોને રોકી શકે. આજે ભારતની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા, એક આધુનિક નેટવર્કનું રૂપ ધરાવે છે. જેમાં લાંબા અંતરના ઇન્ટરસેપ્ટર્સ,મધ્યમ અને ટૂંકા અંતરની સપાટીથી હવામાં હુમલો કરતી મિસાઇલો,અતિ ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાઓ, તેમજ અદ્યતન રડાર અને નિયંત્રણ-આદેશ વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. આ બહુસ્તરીય રક્ષણ પ્રણાલી દ્વારા હવાઈ હુમલાનાં જોખમોને તેમના માર્ગના વિવિધ તબક્કે રોકવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોથી લઈને, ખૂબ જ નીચે ઉડતા ડ્રોનને તોડી પાડવા માટે, એક અખંડ રક્ષણાત્મક કવચ ઊભું કરે છે. 

'સુદર્શન ચક્ર'નું રહસ્ય

બીજું સ્તર મધ્યમ અંતરના મિસાઈલ, ક્રૂઝ મિસાઇલો, યુએવી (ડ્રોન) અને ફાઇટર જેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવા હુમલાને ૨૦થી ૧૦૦ કિલોમીટરની રેન્જમાં રોકવામાં આવે છે. દુશ્મનોના મિસાઈલ, ક્રૂઝ મિસાઇલો, યુએવી (ડ્રોન) અને ફાઇટર જેટને તોડી પાડવા માટે, મુખ્યત્વે 'બરાક-૮ મીડિયમ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ' (MRSAM)નો ઉપયોગ થાય છે. જેનું નિર્માણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા કરવામાં આવેલ છે. 'બરાક-૮'ની રેન્જ સાડસત્તરથી એંસી કિલોમીટરની છે. ભારતીય સેના પાસે 'બરાક-૮'ની ચાર રેજિમેન્ટ છે. અને વધુ એકમો ટૂંક સમયમાં સામેલ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત DRDO,  'પ્રોજેક્ટ કુશા' હેઠળ એક સ્વદેશી લાંબા અંતરની સરફેસ-ટુ-એર મિસાઇલ (LR-SAM) પણ વિકસાવી રહી છે, જે આગામી થોડા વર્ષોમાં કાર્યરત થવાની અપેક્ષા છે. 'પ્રોજેક્ટ કુશા'નો ઉદ્દેશ એસ-૪૦૦ની સમકક્ષ, એક આધુનિક ટેકનોલોજીથી બનેલ રક્ષા કવચ ઊભું કરવાનો છે, જે સો પચાસથી ત્રણસો પચાસ કિલોમીટરની રેન્જ ધરાવતા ઇન્ટરસેપ્ટર્સ સાથે,લાંબા અંતરેથી આવતા મિસાઈલ અને ફાઈટર પ્લેનનો નાશ કરશે. 

ત્રીજું સ્તર ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી એટલે પંદરથી ચાલીસ કિલોમીટરની રેન્જમાં નીચે ઉડતા ડ્રોન, એરક્રાફ્ટ અને ક્રૂઝ મિસાઇલો જેવાં જોખમોનો વિનાશ કરનારી વ્યવસ્થા. આ સ્તરનો મુખ્ય આધાર સ્વદેશી 'આકાશ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ' છે. 'આકાશ' પચીસથી ચાલીસ કિલોમીટરની ઊંચાઈએ લક્ષ્યોને તોડી પાડે છે.  'ઓપરેશન સિંદૂર' દરમિયાન 'આકાશ'ની કામગીરીની એર માર્શલ એ.કે. ભારતીએ પ્રશંસા કરી હતી. 'આકાશ'ને ઇઝરાયેલની 'સ્પાયડર એર ડિફેન્સ સિસ્ટમ'થી સજ્જ કરવામાં આવી છે. જે પંદર કિલોમીટરની રેન્જ ધરાવે છે. ખૂબ જ નીચા સ્તરે ઝડપી પ્રતિક્રિયા કરીને રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત, જૂની સોવિયેત- યુગની વ્યવસ્થાઓ જેવી કે 'એસ-૧૨૫ પેચોરા' અને 'ઓએસએ-એકે-એમ' પણ ભારતના ટૂંકા અંતરના સંરક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ડ્રોનથી લઈને ICBM 4-સ્તરીય હવાઈ સંરક્ષણ જાળ 

ભારતની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાનું સૌથી બાહ્ય, સ્તર લાંબા અંતરના જોખમોને રોકવા માટે રચાયેલું છે, જે બેલિસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો અને ફાઇટર જેટનો વિનાશ કરે છે. આ સ્તરનો મુખ્ય આધાર રશિયાની એસ-૪૦૦ ટ્રાયમ્ફ પ્રણાલી છે. જે ભારતીય સેવામાં 'સુદર્શન ચક્ર' તરીકે ઓળખાય છે.  આ વ્યવસ્થા એકસાથે ત્રણસો લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. વિવિધ રેન્જ માટે રચાયેલી મિસાઇલોનો ઉપયોગ કરીને, એક જ સમયે છત્રીસ લક્ષ્યોને તોડી શકે છે. તેના અદ્યતન રડાર, જેમાં લાંબા અંતરની શોધ માટે '૯૧એન૬ઈ બિગ બર્ડ' અને '૯૨એન૬ઇ ગ્રેવ સ્ટોન'નો ઉયોગ થાય છે. આ પ્રણાલી  ૩૬૦-ડિગ્રી દેખરેખ અને ઇલેક્ટ્રોનિક જામિંગ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. એસ-૪૦૦ મુખ્યત્વે બે ઇન્ટરસેપ્ટર પ્રણાલી ધરાવે છે : (૧) પૃથ્વી એર ડિફેન્સ' (PAD) મિસાઇલ, જે અત્યંત ઊંચાઈએ આવતા દુશ્મન લક્ષ્યાંકને તોડી પાડે છે. જ્યારે (૨) નીચી ઊંચાઈએ આવતા હવાઈ જોખમને 'એડવાન્સ્ડ એર ડિફેન્સ' (AAD) મિસાઇલનો સામનો કરવો પડે છે. 'પૃથ્વી એર ડિફેન્સ'ને 'પ્રદ્યુમ્ન બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર' તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે 'અશ્વિન' નામે ઓળખાતી 'એડવાન્સ્ડ એર ડિફેન્સ' વીસથી ચાલીસ કિલોમીટરની ઊંચાઈએ કાર્ય કરે છે. આ દ્વિ-સ્તરીય કવચ પાંચ હજાર કિલોમીટર દૂરથી આવતા બેલાસ્ટિક મિસાઇલોને રોકવામાં સક્ષમ છે. 

'ભારતીય વાયુસેના રાષ્ટ્રીય રાજધાનીની આસપાસ, આ મિસાઇલ કવચ સ્થાપવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત, બે નવી એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલો, 'એડી-૧' અને 'એડી-૨', વિકસાવવામાં આવી રહી છે, જે લગભગ પાંચ હજાર કિલોમીટરની રેન્જ ધરાવતી ઇન્ટરમીડિયેટ- રેન્જ બેલિસ્ટિક મિસાઇલો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોને રોકવામાં સક્ષમ હશે, જે અમેરિકાની 'ટર્મિનલ હાઇ એલ્ટિટયુડ એરિયા ડિફેન્સ'ની સમકક્ષ ગણાય.

 ઓપરેશન સિંદૂર પછીનો સવાલ ભારત હજી પણ સુરક્ષિત છે! 

ભારતીય વાયુસેના દ્વારા વિકસાવવામાં આવેલ 'સમર એર ડિફેન્સ સિસ્ટમ' (સરફેસ-ટુ-એર મિસાઇલ ફોર એશ્યોર્ડ રિટેલિયેશન) ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં એક નવીન ઉમેરો છે. આ વ્યવસ્થા રશિયન 'વિમ્પેલ આર-૭૩' અને 'આર-૨૭' એર-ટુ-એર મિસાઇલોનો ઉપયોગ કરે છે. 'સમર-૧' મેક ૨ થી ૨.૫ની ઝડપે કાર્ય કરે છે. ૧૦-૧૨ કીમીની રેન્જમાં, નીચી ઊંચાઈના જોખમોને રોકી શકે છે. 'સમર-૨' નામનું નવું સંસ્કરણ, જે ૨૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે. જે ટૂંક સમયમાં પરીક્ષણ માટે તૈયાર થશે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલ 'ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ' (QRSAM)એ એક બીજી ઓલ-વેધર મિસાઇલ છે. જે પચીસથી ત્રીસ કિલોમીટરની રેન્જમાં, એરક્રાફ્ટ રડાર જામિંગનો સામનો કરવા માટે રચાયેલી છે. 

સૌથી અંદરનું સ્તર અતિ ટૂંકા અંતરના જોખમો પર ધ્યાન આપે છે. જેમાં નીચે ઉડતા ડ્રોન અને હેલિકાપ્ટરનો સમાવેશ થાય છે. તે ઘણી વખત આગળની હરોળના સૈનિકો સાથે તૈનાત હોય છે. આ જોખમ તોડી પાડવા માટે, મેન-પોર્ટેબલ એર-ડિફેન્સ સિસ્ટમ્સ (MANPADS) અને એન્ટિ-એરક્રાફ્ટ બંદૂકોનો ઉપયોગ થાય છે. અહીં રશિયન 'ઇગ્લા-એસ' અને 'ઇગ્લા-૧એમ' મિસાઇલો, જે અનુક્રમે છ અને પાંચ કિલોમીટરની રેન્જ ધરાવે છે, તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત, 'એફઆઇએમ-૯૨ સ્ટિંગર'નો ઉપયોગ પણ કરવામાં આવે છે. જોકે તેની ઊંચી કિંમતને કારણે તેનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવે છે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલ 'વેરી શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ' (VSHORADS) એ એક મેન-પોર્ટેબલ વ્યવસ્થા છે. 'ભાર્ગવાસ્ત્ર' કાઉન્ટર-ડ્રોન પ્રણાલી, છ કિલોમીટરથી વધુની રેન્જમાં નાના હવાઈ વાહનોને શોધી શકે છે. જેને ગાઇડેડ માઇક્રો-મ્યુનિશન વડે નિષ્ફળ કરી શકાય છે. જેમાં ચોસઠથી વધુ માઇક્રો-મિસાઇલોને એકસાથે છોડવાની એટલે કે પ્રક્ષેપિત કરવાની ક્ષમતા છે.

-  કે.આર.ચૌધરી

Related News

Icon