
ગુજરાત: રાજ્યમાં દિવસેને દિવસે ગુનાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ જાણે અસામાજિક તત્ત્વોને પણ ખુલ્લો દોર મળી ગયો હોય એમ રોજ નવી-નવી ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાત પોલીસના ડીજીપી દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને કાયદાનો પાઠ ભણાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આદેશ બાદ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ શરુ કરી દીધી છે.
મહત્ત્વનું છે કે, આ કાર્યવાહી કરવા માટે પોલીસ ત્યારે જાગી જ્યારે અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા. ગુંડાતત્ત્વોનો ખૌફ લોકોના મનમાંથી કાઢવા માટે પોલીસે જાહેરમાં જ આ લોકોની સરભરા કરી અને સરઘસ પણ કાઢ્યું અને બુલડોઝર કાર્યવાહી પણ કરી છતા અત્યાર સુધીમાં આ ઘટનાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા અને સફાળુ જાગેલું પોલીસ તંત્ર જાણે આખા ગુજરાતમાંથી રાતોરાત ગુનાખોરી અટકાવી દેશે એમ કાર્યવાહી ચાલુ કરી હતી. પરંતુ હજી પણ આ કાર્યવાહીના પડઘા જે પ્રમાણે પડવા જોઈએ એ પડ્યા નથી એમ કહી શકાય.
MLA, સાંસદ અને મંત્રીને ઉજાગરો પડ્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગતરોજ અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારથી એકબીજાને ઘા ઝીંક્યા હોવાની ઘટના બનવા પામી હતી. જે બાદ આ બે બન્ને ગેંગ વચ્ચે બોલાચાલી અને મારામારીનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. વાત તો ત્યારે વણસી જ્યારે આ બન્ને ગેંગો એકબીજા પર ફરિયાદ દાખલ કરાવી રહ્યા હતા, દરમિયાન આ ફરિયાદ દાખલ ન થાય તે માટે કોંગ્રેસના એક ધારાસભ્યથી લઈને એક કેબિનેટ મિનિસ્ટર અને ભાજપના જ એક સાંસદે ભલામણોના ફોન ખખડાવ્યા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતી આ બન્ને ગેંગોને પોલીસ ફરિયાદથી બચાવવા માટે ધારાસભ્ય અને સાંસદથી લઈને કેબિનેટ મિનિસ્ટરે જોર તો લગાવ્યું પણ કોઈની દાળ ગળી નહીં. ત્યારે પોલીસ બેડામાં યક્ષ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો હતો કે, મામુલી ટપોરી ગેંગોને બચાવવા માટે અડધી રાત્રે આટલા મોટા નેતાઓ પોલીસને ભલામણ કેમ કરી રહ્યા હતા? શું આ ટપોરી ગેંગોના ગોડફાધર આ નેતાઓ તો નથી ને? જો કે આ સમગ્ર મામલે પોલીસને દાદ એટલા માટે આપવી રહી કે, રાજનેતાઓને દબાણવશ થયા વગર જ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને ટપોરી ગેંગોને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે તો આ મામલે એટલી બધી તૈયારી કરી રાખી છે કે આ ટપોરી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગોને કાયદાનો પાઠ ભણાવવા માટે પાસા સુધીની કાર્યવાહી માટે પ્રક્રિયા ચાલુ કરી છે.
રાજકીય દબાણોથી અસામાજિક તત્વોને ખુલ્લો દૌર
આ ઘટના GSTV એટલા માટે લોકો સમક્ષ લાવી રહ્યું છે કે, આવી ઘટનાઓમાં પોલીસ ભલે ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માંગતી હોય પરંતુ આ પ્રકારના રાજકીય દબાણોથી અસામાજિક તત્વોને ખુલ્લો દૌર મળી રહ્યો છે. જેના કારણે પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠતા હોય છે. જે રીતે રામોલની ઘટના બાદ પોલીસે તાબડતોડ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરુ કરી તેના પરથી અંદાજો લગાવી શકાય કે તંત્ર પર અત્યાર સુધીમાં આવા કેટલા રાજકીય કે ઉંચી વગ ધરાવતા લોકો દ્વારા પ્રેશર કરવામા આવ્યું હશે. ગુનેગારોને જાણે કાયદાનો ડર રહ્યો જ ન હોય એ રીતે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ ઠોસ કાર્યવાહી કરવાના આદેશ આપવા કે છૂટ આપવાને બદલે પોલીસને વરઘોડા કાઢવામાં વ્યસ્ત કરી દેવાઈ છે.