
ઈરાન અને ઇઝરાયલમાં સતત પાંચમા દિવસે પણ હુમલા ચાલુ રહેવા વચ્ચે બુધવારે (૧૮ જૂન) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. આઇટી અને મેટલ શેરોમાં વેચવાલીના દબાણથી શેરબજાર નીચે આવ્યું હતું. યુએસ ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના નિર્ણય પહેલા મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. આના કારણે, બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને બીએસઈ સેન્સેક્સ સતત બીજા ટ્રેડિંગ સત્રમાં લાલ નિશાનમાં રહ્યા.
૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે ૨૦૦ થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૩૧૪.૬૨ પર ખુલ્યો. ખુલતાની સાથે જ તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે ૮૧,૨૩૭.૦૧ પર સરકી ગયો. અંતે, તે ૧૩૮.૬૪ પોઈન્ટ અથવા ૦.૧૭% ના ઘટાડા સાથે ૮૧,૪૪૪.૬૬ પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી-50 પણ 24,788.35 ના ઘટાડા સાથે ખુલ્યો. ટ્રેડિંગમાં અસ્થિરતા જોવા મળી. અંતે તે 41.35 પોઈન્ટ અથવા 0.17% ઘટીને 24,812 પર સ્થિર થયો. વ્યાપક બજારોમાં, 13 ક્ષેત્રીય સૂચકાંકોમાંથી 10 ઘટ્યા. સ્થાનિક સ્તરે કેન્દ્રિત સ્મોલ-કેપ્સ અને મિડ-કેપ્સ અનુક્રમે 0.2% અને 0.5% ઘટ્યા.
બધા સેગમેન્ટમાં વેચવાલી થવાને કારણે, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. ૪૪૮ લાખ કરોડથી ઘટીને લગભગ રૂ. ૪૪૬ લાખ કરોડ થયું. આના કારણે, રોકાણકારોને એક જ દિવસમાં રૂ. ૨ લાખ કરોડનું નુકસાન થયું.
ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટની એક્સપાયરીની તારીખોમાં ફેરફાર
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ એનએસઇ અને બીએસઇ પર ઇક્વિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની એક્સપાયરીની તારીખમાં ફેરફારને મંજૂરી આપી છે.
આ અંતર્ગત, એનએસઇ હવે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટની એક્સપાયરી હવે ગુરુવારને બદલે મંગળવારે કરશે. જ્યારે બીએસઇ ની એક્સપાયરી હવે મંગળવારને બદલે ગુરુવારે થશે. આનાથી બંને એક્સચેન્જના બજાર હિસ્સામાં ફેરફાર થઈ શકે છે. લાંબા ગાળાના ઇન્ડેક્સ ઓપ્શન કોન્ટ્રેક્ટ સિવાય, જે ફરીથી ગોઠવવામાં આવશે, પહેલાથી જ શરૂ થયેલા કોન્ટ્રેક્ટની સમાપ્તિ તારીખો યથાવત રહેશે. વધુમાં, સેબીએ એક્સચેન્જોને 1 જુલાઈથી ઇન્ડેક્સ ફ્યુચર્સ પર કોઈપણ નવા સાપ્તાહિક કોન્ટ્રેક્ટ શરૂ ન કરવાનો નિર્દેશ આપ્યો છે.
સેબીના સમાપ્તિ દિવસો મર્યાદિત કરવાના નિર્ણય પહેલાં, એક્સચેન્જો પાસે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ માટે તેમના અંતિમ સમાધાન દિવસોમાં ફેરફાર કરવાની સુગમતા હતી, જેના કારણે છેલ્લા એક વર્ષમાં વારંવાર ફેરફારો થયા હતા.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી-50ના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો, ઇન્ડસઇન્ડ બેંકનો શેર ટોચ પર હતો, જેમાં 5.12 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, ટ્રેન્ટમાં 1.93 ટકા, ટાઇટન કંપનીમાં 1.83 ટકા, મારુતિ સુઝુકીમાં 1.22 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.13 ટકાનો વધારો જોવા મળ્યો.
જો આપણે નિફ્ટી ૫૦ ના ટોચના લુઝર્સની વાત કરીએ, તો ટીસીએસને સૌથી મોટો નુકસાન સહન કરવું પડ્યું, જે ૧.૮૨ ટકા ઘટ્યું. હતું. આ પછી, અદાણી પોર્ટ ૧.૪૨ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૩૫ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૩૪ ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૧૯ ટકા ઘટ્યા.
સેક્ટરલ ઇન્ડેક્સ
લગભગ બધા સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. પરંતુ આ છતાં, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 0.39 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.37 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી મીડિયામાં સૌથી વધુ ૧.૨૭ ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, નિફ્ટી કેપિટલ માર્કેટમાં ૦.૮૭ ટકા, નિફ્ટી આઈટીમાં ૦.૮૩ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૭૨ ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૦.૪૮ ટકાનો ઘટાડો થયો હતો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
- બુધવારે એશિયા-પેસિફિક ક્ષેત્રના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાની શક્યતા વ્યક્ત કરી અને "બિનશરતી શરણાગતિ"ની માંગણી કર્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. તેમના નિવેદનથી સંકેત મળ્યો છે કે અમેરિકા આ સંઘર્ષમાં વધુ ઊંડાણપૂર્વક સામેલ થઈ શકે છે.
- દરમિયાન, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ શરૂઆતના ઘટાડા પછી 0.14% વધ્યો, જ્યારે ટોપિક્સ 0.15% વધ્યો. કોસ્પી 0.46% વધ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX200 ઇન્ડેક્સ 0.2% ઘટ્યો.
- મે મહિનામાં જાપાનની નિકાસ વાર્ષિક ધોરણે ૧.૭% ઘટી હતી, જે ૩.૮%ના ઘટાડા કરતાં ઓછી હતી. જોકે, વૈશ્વિક વેપારમાં મંદીની આશંકા વધી છે. બેંક ઓફ જાપાને ચેતવણી આપી છે કે નબળી આંતરરાષ્ટ્રીય માંગ અને ઘટતા કોર્પોરેટ નફાને કારણે આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે.
- તેમ છતાં, મંગળવારે બેંક ઓફ જાપાને તેની જૂન મીટિંગમાં તેનો મુખ્ય ટૂંકા ગાળાનો વ્યાજ દર 0.5% પર સ્થિર રાખ્યો હતો, જે 2008 પછીનો ઉચ્ચતમ સ્તર છે.
યુએસ બજાર અને ફેડનો નિર્ણય
મંગળવારે યુએસ શેરબજારમાં ઘટાડો થયો. ડાઉ જોન્સ 0.70%, S&P 500 0.84% અને નાસ્ડેક કમ્પોઝિટ 0.91% ઘટ્યો. બુધવારે ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિની જાહેરાત પહેલા યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ થોડો ઘટાડો દર્શાવે છે. ઉપરાંત, રોકાણકારો 14 જૂનના રોજ પૂરા થતા સપ્તાહ માટે યુએસમાં બેરોજગારીના આંકડા, યુરોઝોન અને મે મહિના માટે યુકેના ફુગાવાના દર પર નજર રાખશે.