Home / World : Big blow to US President, court stays Trump administration's decision on Harvard

US પ્રમુખને મોટો ફટકો, કોર્ટે હાર્વર્ડ અંગે ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવી: વિદેશી વિદ્યાર્થીઓને રાહત

US પ્રમુખને મોટો ફટકો, કોર્ટે હાર્વર્ડ અંગે ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવી: વિદેશી વિદ્યાર્થીઓને રાહત

Harvard University: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાની એક કોર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પર સ્ટે લગાવ્યો છે. અગાઉ, હાર્વર્ડ દ્વારા આ બાબતનો વિરોધ કરતા બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ સરકાર સ્ટે વિરુદ્ધ અપીલ પણ કરી શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુનિવર્સિટી ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સીધી સંઘર્ષમાં 
23 મે, 2025 બોસ્ટનની એક કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં, હાર્વર્ડે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો એ યુએસ બંધારણ અને અન્ય સંઘીય કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, અને તેની યુનિવર્સિટી અને 7000 થી વધુ વિઝા ધારકો પર તાત્કાલિક અને ખૂબ જ ખરાબ અસર પડશે. હાર્વર્ડે જણાવ્યું. કે, 'એક કલમના ઘાથી, સરકારે હાર્વર્ડના વિદ્યાર્થીઓની સંખ્યાના એક ચતુર્થાંશ ભાગ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ યુનિવર્સિટી અને તેના મિશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે, તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.'

કોર્ટે કામચલાઉ પ્રતિબંધ લાદ્યો
વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક, હાર્વર્ડે કહ્યું, 'વિદેશી વિદ્યાર્થીઓ વિના હાર્વર્ડ હાર્વર્ડ નથી.' ડેમોક્રેટિક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નિયુક્ત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બરોઝે આ નીતિ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. હાર્વર્ડે ટ્રમ્પ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. 

હાર્વર્ડમાં હાલ 788 ભારતીય વિધાર્થીઓ 
હાર્વર્ડની સ્કૂલમાં 100 થી વધુ દેશોના 6800 થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આમાં 1203 ચીની વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. હાર્વર્ડ ઇન્ટરનેશનલ ઓફિસની વેબસાઇટ અનુસાર, યુનિવર્સિટી હેઠળની તમામ શાળાઓમાં 2024-2025માં ભારતના 788 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે હાર્વર્ડ ગ્લોબલ સપોર્ટ સર્વિસીસ તેની વેબસાઇટ પર જણાવે છે કે દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે.

જે વિદ્યાર્થીઓ વર્તમાન સેમેસ્ટરમાં ડિગ્રી પૂર્ણ કરશે તેમને ગ્રેજ્યુએટ થવાની મંજૂરી આપવામાં આવશે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ફેરફારો 2025-2026 શૈક્ષણિક વર્ષમાં અમલમાં આવશે.

જો કે, જે વિદ્યાર્થીઓની ડિગ્રી હજુ પૂર્ણ થઈ નથી તેમને અન્ય યુનિવર્સિટીઓમાં ટ્રાન્સફર કરવું પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેઓ યુએસમાં રહેવાનો તેમનો કાનૂની દરજ્જો ગુમાવશે.

ટ્રમ્પ સરકારનો આ શરતોનું પાલન કરવા આદેશ

1. હાર્વર્ડ યુનિવર્સિટીના એવા વિદેશી વિદ્યાર્થીઓનો ઈલેક્ટ્રોનિક, ઓડિયો-વીડિયો રેકોર્ડ કે, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા પરિસરમાં કે પરિસરની બહાર સત્તાવાર કે ઔપચારિક રૂપે ગેરકાયદે ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોય તે રજૂ કરવો 

2. છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીની અંદર કે બહાર કોઈ વિદેશી વિદ્યાર્થી દ્વારા હાથ ધરવામાં આવેલી હિંસક કે જોખમી ગતિવિધિઓનો રેકોર્ડ રજૂ કરવો.

3. છેલ્લા પાંચ વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં કે બહાર અન્ય વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીના કર્મચારીઓને આપવામાં આવેલી ધમકીના ઉપલબ્ધ તમામ રેકોર્ડ રજૂ કરો.

4. હાર્વર્ડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં કે બહાર અન્ય કોઈની પણ સાથે થયેલી મારામારી કે ઝઘડા સંબંધિત તમામ રેકોર્ડ.

5. છેલ્લા પાંચ વર્ષમાં પ્રવેશ લેનારા તમામ વિદેશી વિદ્યાર્થીઓના તમામ રેકોર્ડ.

6. છેલ્લા પાંચ વર્ષમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારનો વિરોધ કે આંદોલનમાં સામેલ વિદેશી વિદ્યાર્થી સંબંધિત ઓડિયો-વીડિયો રેકોર્ડ.

કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવના વધવાનું કારણ
હાર્વર્ડ કેમ્પસમાં યહૂદી વિરોધી ગતિવિધિઓને ધ્યાનમાં લેતાં ટ્રમ્પ સરકારે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવના વધી રહી હોવાનો આરોપ છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડને પોતાના પ્રાંગણમાં હિંસા, યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવા તેમજ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે સમન્વય કરવા જવાબદાર ઠેરવી છે.

 

Related News

Icon