Home / : Bamiyan idol-breaker Taliban now strives to protect the statues

Shatdal: બામિયાન મૂર્તિભંજક તાલિબાનની હવે મૂર્તિ સંરક્ષણ માટેની મથામણ

Shatdal: બામિયાન મૂર્તિભંજક તાલિબાનની હવે મૂર્તિ સંરક્ષણ માટેની મથામણ

- મીડ વીક 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- તાલિબાનને અફઘાનિસ્તાનમાં પર્યટન વિકસાવવું છે. વિધર્મી સંસ્કૃતિ માટે સહિષ્ણુતા નહી પરંતુ દેખાડો કરીને નાણા ભીડને નાથવાની વાત છે

તાલિબાનનું નામ પડતા જ માથે  ફેંટો, ઉપર ખમીસ, પગમાં ટુંકો પાયજામો અને મોંઢે કપડું બાંધીને આંખોથી કતરાતા એક ધર્મ ઝનુની સમૂહનું ચિત્ર ખડૂ થાય છે. અફઘાનિસ્તાનમાં રાજાશાહીનો અંત આવ્યા પછીના શાસનનો ઇતિહાસ રકતરંજીત રહયો છે. વર્ગવિગ્રહ અને હિંસાના દોરમાં કટ્ટરપંથી તાલિબાન આંદોલન ૧૯૯૦ના દશકાની શરુઆતમાં ઉભર્યુ હતું. પાકિસ્તાનની મદરેસામાં ભણેલા વિધાર્થીઓ એટલે કે તાલિબાનોએ ૧૯૯૬માં પ્રથમ વાર સત્તા સંભાળી હતી. તાલિબાને ઇસ્લામિક દંડ અને ઇસ્લામિક પ્રથાઓને નવેસરથી શરુ કરી હતી. કટ્ટર ઇસ્લામી ચહેરાનું પ્રતિક ગણાતા તાલિબાની શાસકોએ અફઘાનિસ્તાનનો પ્રાચીન ઇતિહાસ ભૂંસી નાખવા કમરકસી હતી. ૧ માર્ચ ૨૦૦૧માં રાજધાની કાબૂલથી ૧૮૦ કિમી દૂર હિંદુકુશ પર્વતમાળામાં દક્ષિણ પૂર્વમાં બામિયાન સ્થળે ભગવાન બુદ્ધની બે પ્રાચીન મૂર્તિઓે ડાયનામાઇટ અને તોપોથી ઉડાવીને જે નફરતનું પ્રદર્શન કર્યુ હતું તેને આજ સુધી કોઇ ભૂલી શકયું નથી. તાલિબાનીઓના અત્યંત ઘૃણાજનક કૃત્યની આંતરરાષ્ટ્રીય મંચ પર ખૂબ ટીકા થઇ હતી. એવું નથી કે આ કૃત્ય ચોરી છુપીથી કરવામાં આવ્યું હતું તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉંમરે બુધ્ધની વિશાળ મૂર્તિઓને ગેર ઇસ્લામિક ગણાવીને નાશ કરવાની અગાઉથી જાહેરાત પણ કરી હતી. ૧૨૫ અને ૧૮૦ ફૂટની આ બૌધ્ધ મૂર્તિઓ અફઘાનિસ્તાનમાં પ્રાચીન કળાની કલાસિક બૌધ્ધ ગુપ્ત મિશ્રિત શૈલીનું પ્રતિનિધિત્વ કરતી હતી. બલુઆ પથ્થરોની ચટ્ટાનોને તરાશીને પાંચમી શતાબ્દિમાં તૈયાર કરવામાં આવેલી મોટી મૂર્તિનું નામ 'સાલ્સલ' જયારે નાની મૂર્તિ 'શાહ મામા' તરીકે ઓળખાતી હતી. વર્ષ ૨૦૦૩માં યુનેસ્કોએ વિશ્વ ધરોહરની જોખમી યાદીમાં બામિયાન બુધ્ધ અવશેષોને સામેલ કર્યા હતા. 

યુએસમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુધ કાર્યવાહી કરીને સત્તા પરથી ઉતારી દીધા હતા. ૨૦ વર્ષ પછી યુએસ અને સહયોગી દેશોની આર્મીએ વિદાય લીધા પછી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧થી અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાન સત્તા સંભાળે છે કેટલાક આને તાલિબાન પાર્ટ -૨ ગણે છે. ધર્મ ઝુનન, કટ્ટરતા અને શરિયતના કાયદામાં માનતા તાલિબાન શાસનને પહેલા કે આજે દુનિયાના ભાગ્યે જ કોઇ દેશે માન્યતા આપી છે.આર્થિક પ્રતિબંધોથી ઘેરાયેલા અફઘાનિસ્તાનના વિકાસની રફતાર સાવ ધીમી પડી ગઇ છે. લોકો ખોરાક, પાણી અને રહેઠાણ જેવી પાયાની જરુરિયાતો માટે પણ ફાંફા મારી રહયા છે. સમય બળવાન હોય છે જે નાપાક પાકિસ્તાને આતંકી તાલિબાનીઓને ઉછેરીને મોટા કર્યા એની સાથે જ સરહદ પર હવે વિવાદ શરુ થયા છે.  તહેરિક તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) નામનું જેહાદી ગ્રુપ ડુરાન્ડ સરહદે અને પાકિસ્તાનના અંદરના ભાગોમાં હત્યાઓને અંજામ આપીને હાહાકાર મચાવે છે. ટીટીપી હુમલા બંધ કરે તે માટે પાકિસ્તાન સરકાર અફઘાનના તાલિબાન શાસનને અપીલ કરે છે છતાં હુમલાઓ અટકતા નથી. આમ પણ તાલિબાન વિશે એવું માનવામાં આવે છે કે પોતાના સમર્થિત ગ્રુપ કે સંગઠન કયાંય પણ હોય હંમેશા પક્ષ તાણવાનું વલણ ધરાવે છે. તાલિબાનના શાસનમાં મહિલાઓ માટેના દ્વષ્ટીકોણમાં પહેલા પણ ફર્ક ન હતો અને આજે પણ ફર્ક પડયો નથી. કાબુલમાં મહિલાઓના બ્યૂટી સલૂન પર પ્રતિબંધ, મુકત રીતે હરવા પર પાબંધી, વાહન ચલાવવા કે શિખવા પર મનાઇ અને કપડા પહેરવાની રોકટોક જેવા સેંકડો ફતવાઓ અમલમાં છે. મોટા ભાગની બાબતોમાં ન્યાયને ધર્મના ત્રાજવે તોલે છે. તાલિબાનોના પાર્ટ-૧ (૧૯૯૬ થી ૨૦૦૧)  અને વર્તમાન (૨૦૨૧ થી) પાર્ટ-૨ શાસનમાં કોઇ આમૂલ પરિવર્તન જોવા મળતું નથી. 

જો કે ઇસ્લામિક શરિયા કાનુનના કટ્ટર સમર્થક તાલિબાનમાં સૌથી મોટો બદલાવ બામિયાનમાં જ જોવા મળી રહયો છે. સૌને નવાઇ લાગે તેવી વાત એ છે કે બામિયાન મૂર્તિભંજક તાલિબાન હવે મૂર્તિઓના સંરક્ષણની મથામણ કરી રહયું છે. અમેરિકા સમર્થિત સુધારાવાદી ઉદારવાદી શાસને વર્ષ ૨૦૧૬માં યુનેસ્કો સાથે સાંસ્કૃતિક વિરાસતના રક્ષણને લગતી અનેક સંધીઓ પર હસ્તાક્ષર કર્યા હતા તેમ છતાં તાલિબાન  જયારે ૨૦૨૧માં સત્તા સંભાળતા પહેલા વિધર્મીઓની સાંસ્કૃતિક વિરાસતને તોડવાના સ્થાને સુરક્ષાની વાત કરી ત્યારે ભૂતકાળનો અનુભવ જોતા કોઇને ભરોસો બેસતો ન હતો. જાણવા મળી રહયું છે કે હવે બૌધ્ધધર્મ સાથે જોડાયેલા ધર્મના અવશેષોને ખુદ તાલિબાન પ્રશાસન ઉજાગર કરી રહયું છે. બામિયાનમાં વારસાનું મહત્વ ધરાવતા બોર્ડ પણ દેખાવા લાગ્યા છે. આ સ્થળે તાલિબાની સૈનિકો કે લડવૈયા ચોકિયાતી કરી રહયા છે. મુલ્લા ઉંમરના સમયમાં તોડી નાખવામાં આવેલી મૂર્તિઓના નવિનીકરણ બાબતે ગંભીર જોવા મળે છે.  પુરાતત્વ અને વિરાસતના જાણકાર લોકો દેશ છોડીને જતા રહયા છે તેમને ફરી યાદ કરવામાં આવી રહયા છે. હેરત નામના શહેરમાં યહૂદીઓના પૂજા સ્થળને સંરક્ષિત કર્યુ છે. ૯ માર્ચ ૨૦૨૧ના રોજ સાલ્સલની પ્રતિમા ફરીથી તૈયાર કરવામાં આવી જેને એક ૩ ડી ટેકનિકથી લગાવવામાં આવી હતી. તાજેતરમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં તાલિબાન શાસને જાહેર કર્યુ હતું કે અફઘાનિસ્તાનની ધરોહરો અને ઐતિહાસિક સ્થળોનું રક્ષણ અને સાર સંભાળ રાખવીએ સૌની જવાબદારી છે. આ અફઘાનિસ્તાનની સમૃધ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ તેની ઓળખનો જ એક ભાગ છે. ઐતિહાસિક ધરોહરને તાલિબાન આટલું મહત્વ આપશે એવું પ્રાચીન વિરાસતોના પૂર્વ સંરક્ષકો અને ગાઈડ્સને પણ આશા ન હતી. અફઘાનિસ્તાનના લધમન ખાતેના સંસ્કૃતિ અને  પર્યટન વિભાગના પ્રમુખ મોહમ્મદ યાકુબ અયુબીએ તાજેતરમાં એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનનો ઇતિહાસ ૫૦૦૦ વર્ષ જુનો હોવાની વાતને અવશેષો સાબિતી આપે છે. અહીંયા જે લોકો રહેતા હતા તે મુસલમાન હતા કે નહી પરંતુ સામ્રાજય જરુર હતું. ગઝની પ્રાંતના સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ હામિદુલ્લાહ નિસારે પણ કબૂલ્યું કે બામિયાનની બૌધ મૂર્તિઓનું સંરક્ષણ અને વિરાસત આવનારી પેઢીઓને સોંપી દેવી જોઇએ જે અમારા ઇતિહાસનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. 

મૂર્તિભંજક વિચારસરણી ધરાવનારા તાલિબાન શાસકોનું મૂર્તિ સંરક્ષણ વલણ આવકાર્ય છે. માનવ ઇતિહાસ ભૂલોનો રહયો છે અને ભૂલોમાંથી જ શિખવાનું હોય છે પરંતુ તાલિબાનો ભૂલોમાંથી શીખ્યા છે એવું માનવું વધારે પડતું છે. જો તેઓ ખરેખર સુધારાવાદી બન્યા હોતતો બુધ્ધની ઐતિહાસિક વિરાસત જ નહી મહિલાઓ માટે પણ તેમનો અભિગમ બદલાયો હોત પરંતુ એમ થયું નથી. આંતરરાષ્ટ્રીય વિરાસત સંરક્ષણ સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તાલિબાન દરેક પ્રકારની ભૌતિક વિરાસતનું સંરક્ષણ કરવા ઇચ્છે છે કદાંચ તાલિબાનને બામિયાનની બુદ્ધ મૂર્તિઓનો વિનાશ કર્યા પછી પોતાની છબીને થયેલું નુકસાન થયું છે તે ધ્યાનમાં આવ્યું છે. છેલ્લા ૨૫ વર્ષમાં દુનિયા ઘણી બદલાઇ ગઇ છે. ધર્માંધ રહીને ગુમાવવા કરતા ઉદાર ચહેરો રાખીને કશુંક મેળવવાની પણ મજબુરી છુપાયેલી છે. તાલિબાનને પહેલા તો પોતાના શાસનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવી છે બીજું કે ઘર આંગણે પર્યટન વિકસાવીને પ્રવાસીઓ લાવીને આર્થિક કમાણી કરવી છે. બામિયાન પ્રાચીન  સમયમાં  મુખ્ય વેપાર, સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર બની ગયું હતું. બામિયાન નદીની સાથેની ઘાટી એક સમયે સિલ્ક રુટનો ભાગ હતી. ચીન, ભારત અને રોમના વેપારીઓ અહીંયાથી પસાર થતા હતા. સ્તૂપ, નાની બીજી બુદ્ધ મૂર્તિઓ અને ગુફાઓમાં દીવાલ પેઇન્ટિગ પણ સામેલ છે. 

તાલિબાનો ભલે પ્રવાસીઓ આકર્ષીને કમાણી કરવા ઇચ્છતું હોય પરંતુ પ્રવાસીઓની સુરક્ષા પણ એક મહત્વનો મુદ્વો છે કારણ કે ગત વર્ષ બામિયાનમાં ફરવા આવેલા એક પ્રવાસી સમૂહ પર આતંકવાદી હુમલો થયો હતો. 

તાલિબાનની પરિસ્થિતિ પાર્ટ વન શાસન કરતા સાવ જુદી છે. ધર્માંધ બનીને પોતાની જ સાંસ્કૃતિક વિરાસતનો નાશ કરીને માત્ર બદનામી મેળવી છે તે ભૂલ સુધારીને નાણાભીડ દૂર કરવી છે. જયાં ઐતિહાસિક બૌધ્ધ સ્થળ સ્થળ આવેલું છે તે મેસ આયનકના પહાડોની આસપાસ ખનીજ ભંડારો રહેલા છે જેને ચીનના રોકાણ સાથે જોડવામાં આવી રહયા છે. વર્ષ ૨૦૦૮માં હામિદ કરજાઇ શાસન ચીનની સરકારી કંપની એમસીસી સાથે ૩૦ વર્ષનો કરાર કર્યો હતો. આ સ્થળે ૧.૨ કરોડ ટન ખનીજ ભંડાર હોવાથી  વૈશ્વિક આર્થિક પ્રતિબંધો વચ્ચે ચીન ખનીજના ઉત્ખનનમાં સહયોગ આપે તો અફઘાનિસ્તાનને આર્થિક ફાયદો થાય તેમ છે. ચીની રોકાણકારોને પ્રભાવિત કરવા તાલિબાને પ્રતિમાઓની સુરક્ષા વધારી હોવાનું મનાય છે. સમય બળવાન હોય છે અને તે મોટા ચમરબંધીને પણ ઝુકાવે છે એ વાત સાચી છે પરંતુ આમાં મૂળ વાત વિધર્મી સંસ્કૃતિ માટે સહિષ્ણુતા નહી પરંતુ દેખાડો કરીને નાણા ભીડને નાથવાની મથામણ વધારે છે. 

- હસમુખ ગજજર

Related News

Icon