
Botad news: બોટાદમાં સતત વધતા જતા તાપમાન ને લઈ હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે લોકોના આરોગ્યની સુરક્ષા માટે શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલના દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં એસી, બેડ અને ઈમરજન્સી સારવાર માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે.
ઉનાળો બેસતા જ આકાશમાંથી અગન વર્ષા વરસવાનું શરૂ થઈ ગયું છે. બોટાદ શહેરમાં દિવસે-દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલ 40 થી 42 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે ત્યારે બપોરના સમયે શહેરનાં રસ્તાઓ સુમસાન જોવા મળે છે ત્યારે આગ ઓકતી ગરમી સામે હિટવેવ જેવી સ્થિતિમાં લોકોનાં સ્વાસ્થ્યને લઈને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે એસી, બેડ સહિત જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
શહેરીજનોએ દિવસ દરમિયાન તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ, છાશ, લસ્સી, લિંબુ પાણી અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો. ઘરની બહાર નીકળતી વખતે માથાનો ભાગ ઢાંકીને રાખવો અને શક્ય હોય તો કામ વગર બપોરના 12 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. તેમ સોનાવાલા હોસ્પિટલના સી. ડી.એમ. ઓ. રાકેશ અવસ્થીએ અપીલ કરી હતી.