
Indian Lifestyle: ભારતીય પરિવારોમાં, ઘણીવાર વિદેશમાં રહેતા પોતાના સગા સંબંધીઓ વિશે ચર્ચા થાય છે, ખાસ કરીને તે દૂરના સંબંધી વિશે જે અમેરિકામાં પોતાના સપના પૂરા કરી રહ્યો છે. રાત્રિભોજનના ટેબલ પર ચર્ચા કંઈક આ રીતે થાય છે, "મારો પિતરાઈ ભાઈ અમેરિકામાં વાર્ષિક 80 લાખ રૂપિયા કમાય છે. મને પણ એમ થાય કે હું પણ એટલું કમાઈ શકું."
પરંતુ દિલ્હીના એક રીસર્ચર શુભમ ચક્રવર્તિએ આ માનસિકતાને પડકાર ફેંક્યો છે. તેની એક લિન્ક્ડ ઇન પોસ્ટ સખત વાયરલ થઇ રહી છે. તેમણે લખ્યું, "આગલી વખતે જ્યારે અમેરિકામાં રહેતો તમારો મિત્ર કહે કે તે 80 લાખ રૂપિયા કમાય છે, તો તેને યાદ અપાવો કે ભારતમાં આવી જ જીવનશૈલી જીવવા માટે ફક્ત 23 લાખ રૂપિયા પૂરતા છે."
આ ફક્ત સોશિયલ મીડિયાની સલાહ નથી, પરંતુ પરચેઝિંગ પાવર પેરિટી (PPP) નામના આર્થિક ખ્યાલ પર આધારિત છે.
PPP શું છે?
PPP એટલે ખરીદ શક્તિ સમાનતા, જે બે દેશોમાં રહેવાની કિંમતની તુલના કરે છે. તે જણાવે છે કે એક દેશમાં કેટલી આવક જરૂરી છે જેથી તમે બીજા દેશ જેવું જીવન જીવી શકો.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) ના આ વર્ષના ડેટા અનુસાર, ભારતમાં 20.38 રૂપિયા એક આંતરરાષ્ટ્રીય ડોલર બરાબર છે. જ્યારે અમેરિકામાં 1 ડોલર = 1 આંતરરાષ્ટ્રીય ડોલર. આનો અર્થ એ થયો કે, જો તમે ભારતમાં 23 લાખ રૂપિયા કમાઈ રહ્યા છો, તો PPP મુજબ, તે યુએસમાં $1,12,850 ની સમકક્ષ છે. એટલે કે, ભારતમાં તમારા એક રૂપિયામાં યુએસ ડોલર કરતાં વધુ ખરીદ શક્તિ છે.
80 લાખનું બ્રેકડાઉન
પોતાની વાત સ્પષ્ટ કરવા માટે, શુભમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન કૌશિકની એક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં રોજિંદા ખર્ચની તુલના કરવામાં આવી હતી:
- સામાન્ય રૅસ્ટોરન્ટમાં ભોજન: ભારતમાં રૂ. 300, અમેરિકામાં રૂ. 17૦૦
- માસિક ઇન્ટરનેટ બિલ: ભારતમાં રૂ. 7૦૦, અમેરિકામાં રૂ. 6,૦૦૦
- 2 બીએચકે ફ્લેટનું ભાડું: ભારતમાં રૂ. 50,૦૦૦, અમેરિકામાં રૂ. 1.6 લાખ
આ ખર્ચાઓ દર્શાવે છે કે, તમે માત્ર સેલરીના આંકડાને જોશો તો છેતરાઇ જશો, પણ તમારે જીવન નિર્વાહનો ખર્ચ નજરઅંદાજ કરવો જોઇએ નહીં.
માત્ર પૈસા જ સર્વસ્વ નથી
શુભમની પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીપીપી એકમાત્ર પરિબળ નથી. અમેરિકામાં વધુ સારી માળખાગત સુવિધાઓ, જાહેર સેવાઓ અને કારકિર્દીની તકો છે. જીવનની ગુણવત્તા, સામાજિક લાભો અને લાંબા ગાળાની તકો દેશ પ્રમાણે બદલાઈ શકે છે. જો કે, જો તમે વિદેશથી નોકરીની ઓફરનું મૂલ્યાંકન કરી રહ્યા છો અથવા તમારા વર્તમાન પગારથી સંતુષ્ટ થવા માંગતા હો, તો PPP તમને વાસ્તવિક ચિત્ર આપી શકે છે.