ભાજપના કેન્દ્રિય અધ્યક્ષની નિમણૂંકમાં સતત મોડું થઈ રહ્યં છે. જેપી નડ્ડાનું સ્થાન કોણ લેશે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી હજુ કોઈ નામ પર મહોર વાગી નથી. પરંતુ હવે કારોબારીની સક્રિયતા જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં ભાજપના કેન્દ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે. હજુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી થઈ નથી. એવામાં આ રાજ્યોના અધ્યક્ષના નામ જુલાઈમાં જાહેર થાય તેવી સંભાવના હોય આ નામ ડિક્લેર થયા પછી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય લેવામાં આવશે. ભાજપના બંધારણ પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઓછામાં ઓછા દેશમાં અડધા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થવી જરૂરી છે.

