ગુજરાત સમાચાર અને GSTV પર IT-EDના દરોડાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સેવાદળના લાલજી દેસાઇ પત્રકાર પરિષદ કરી હતી અને મોદી-અમિત શાહ તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
પુલવામા-પહેલગામ હુમલા પર સવાલ પૂછવામાં આવતા મોદી સરકાર ડરી ગઇ- મેવાણી
જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે પહેલગામ હુમલાને કારણે જે રીતની તંગદિલિ માહોલ આખા દેશમાં છે, આખો દેશ એમ જાણવા માંગે છે કે પહેલગામની ઘટના માટે જે આતંકવાદી જવાબદાર છે તેમની મોદી સરકાર ધરપકડ ક્યારે કરશે? મોદી સરકાર પાસે,ભાજપ પાસે તેનો કોઇ જવાબ નથી. તેમની ધરપકડ કરવાની જગ્યાએ આ મુદ્દા પર સવાલ ઉઠાવનારા ગુજરાત સમાચારના માલિક-મેનેજિંગ ડિરેક્ટરને ટાર્ગેટ કરવા તે ભાજપ સરકારના વલણને દર્શાવે છે. પહેલગામના આતંકીઓને પકડીને કાર્યવાહી કરવી સરકારની પ્રાથમિકતા નથી. તેમની પ્રાથમિકતા આ છે કે ગુજરાત સમાચાર જેવા અખબાર 25 વર્ષથી સત્તાને, ભાજપને, RSSને મોદી-અમિત શાહને સતત સવાલ પૂછી રહ્યાં છે તેમના અવાજને કેવી રીતે બંધ કરી શકાય. મેવાણીએ કહ્યું કે,કોંગ્રેસ-AICC તરફથી આ ઘટનાની નિંદા કરીએ છીએ. ભાજપ સરકાર સ્પષ્ટ કરે કે 25 વર્ષ જૂની ઘટનામાં બાહુબલિ શાહની ધરપકડ કેમ કરી? સવાલ પૂછવા પર ગુજરાતમાં શું પત્રકારોને ટાર્ગેટ કરાશે?
કોંગ્રેસના નેતાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સમાચાર વિરૂદ્ધ આ વાતનો પણ ગુસ્સો છે કે પહેલગામ હુમલામાં વારંવાર મોદીજીને એક્સપોઝ કરતા હતા. છેલ્લા 6 વર્ષ દરમિયાન અનેક વખત ED અને ઇન્કમટેક્સે બાહુબલિ શાહ, શ્રેયાંશ શાહ અને ગુજરાત સમાચારને અનેક સવાલ પૂછ્યા. પહેલગામ હુમલામાં ગુજરાત સમાચારે ધાર તેજ કરી આતંકવાદીઓની ધરપકડ કેમ થતી નથી એટલે ગુજરાત સમાચારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
જિજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં 2002 રમખાણ હોય, નકલી એન્કાઉન્ટર હોય, ભાજપનો ભ્રષ્ટાચાર હોય, ગૌચરની લૂંટ હોય કે પછી જમીન સંશાધનની લૂંટ હોય. આ બધા સવાલોને ગુજરાત સમાચાર અવિરતપણે ઉઠાવતું રહ્યું છે. 25 વર્ષથી જે રીતે મોદી-અમિત શાહ ભાજપ વિરૂદ્ધ લખતુ હતું જેને કારણે બદલો લીધો છે.