
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને મદ્રાસ હાઈકોર્ટે 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. કુણાલ કામરા વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમને ૩૧ માર્ચ માટે બીજું સમન્સ જારી કર્યું છે.
દેશના દિગ્ગજ રાજકારણીઓ પર કટાક્ષ કરીને વિવાદોમાં મુકાયેલા કોમેડિયન કુણાલ કામરાને હવે બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલી છે. તેના વિશેષ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે અને બાદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પર બોલિવૂડ ગીતની પૅરોડી બનાવી કટાક્ષ કરતો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો.
બોલિવૂડ ગીતો પર બનાવી હતી પૅરોડી
કામરાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં બોલિવૂડ ગીત ‘ભોલી સી સુરત’ (ફિલ્મ-દિલ તો પાગલ હૈ)ની પૅરોડી બનાવી હતી. આ દરમિયાન તેણે નાણા મંત્રી નિર્મલા સીતારમણની ટીકા કરવા મિસ્ટર ઈન્ડિયા ફિલ્મના ગીત ‘હવા હવાઈ’ પર પૅરોડી બનાવી હતી.
31 માર્ચ સુધી હાજર થવા આદેશ
મુંબઈ પોલીસે 36 વર્ષીય કોમેડિયન કામરાને ગઈકાલે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. પરંતુ કામરા મુંબઈમાં ન હોવાથી તે હાજર થઈ શક્યો ન હતો. જેના માટે તેણે જીવનું જોખમ હોવાનું કારણ પણ આપ્યું હતું. જો કે, પોલીસે તેની આ અપીલ રદ કરી તેને 31 માર્ચ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.
શિવસૈનિકોએ આપી મારવાની ધમકી
ડેપ્યુટી CM શિંદે પર કટાક્ષ કરતાં કામરાને શિવસૈનિકોએ માર મારવાની ધમકી આપી હતી. તેમજ કામરાએ જે જગ્યાએ આ પૅરોડી રજૂ કરી હતી, તે સ્ટુડિયોમાં પણ તોડ-ફોડ કરી છે. ઉલ્લેખનીય છે, કામરાએ કોમેડી કરતાં કરતાં શિંદેને ગદ્દાર તેમજ નિર્મલા સીતારમણને લોકોની સેલેરી લૂંટનારી બાઈ ગણાવી હતી.