Home / : Dharmlok : Why is Durva dear to Lord Ganesha?

Dharmlok : ગણપતિજીને દુર્વા કેમ પ્રિય છે? 

Dharmlok : ગણપતિજીને દુર્વા કેમ પ્રિય છે? 

એકવાર કૃતવીર્યે બ્રહ્મદેવને પૂછયું કે, 'હે ભગવાન ! ગણપતિજીને દૂર્વા કેમ પ્રિય છે?' ત્યારે બ્રહ્માજીએ દુર્વાનું મહાત્મ્ય સમજાવતી કથા કહી કે, 'પૂર્વે દક્ષિણમાં એક જામ્બ નામનું પ્રસિદ્ધ નગર હતું. તેમાં સુલભ નામે સંપન્ન અને વિવેકી ક્ષત્રિય અને તેની સમુદ્ર નામે ગુણિયલ પત્નિ રહેતી હતી. તેઓ બંને સદાચારી અને અતિથિધર્મમાં પ્રવત્ત રહી જીવન વિતાવતા હતાં. એક દિવસ એમને ત્યાં મધુસૂદન નામનો એક દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવ્યો. એનાં શરીર પરના વસ્ત્રો અત્યંત જીર્ણ હતાં. તેને જોઈને અચાનક સુલભને હસવું આવી ગયું. આ જોઈ પેલા દરિદ્ર બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને એ બ્રાહ્મણે સુલભને શ્રાપ આપ્યો કે, 'તું ખેતરોમાં જઈ હરાયું ખાનારો આખલો થઈ જા.' આ જાણી સુલભની પત્નિને પણ ક્રોધ આવ્યો અને તેણે દરિદ્ર બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે, 'તમે પણ સર્વે પ્રાણીઓમાં મૂર્ખ એવા ગદર્ભ બનો.' આ સાંભળી તે દરિદ્ર બ્રાહ્મણે સુલભની પત્નિને શ્રાપ આપ્યો કે, 'તું અમંગળ ચાંડાલણી બની જાય.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આમ, ત્રણેય જણાએ એકબીજાને શ્રાપ આપ્યા અને બધા ગમે ત્યાં ભટકવા લાગ્યા. એક દિવસ અચાનક ચાંડાલણી ફરતી ફરતી દેવાલયમાં આવી. એ દિવસ ભાદ્રપદ શુક્લ ચતુર્થીનો હતો અને નગરમાં ગણપતિજીનો ભવ્ય ઉત્સવ હતો. વળી એ દિવસે વરસાદ પણ ખૂબ પડી રહ્યો હતો. તેથી ચાંડાલણી ખુબ પલળી ગઈ હતી અને તે સમયે પેલો આખલો અને ગદર્ભ પણ વરસાદથી ખુબ પલળી ગયા હતાં અને ઠંડીથી ધ્રૂજતાં હતાં. ફરતાં-ફરતાં બધા એક દેવાલયમાં આશરો લેવા આવ્યા પણ લોકોએ તેમને દેવાલયમાં બેસવા દીધા નહીં.

ત્યારબાદ, ચાંડાલણીએ અગ્નિ પેટાવવા ઘાસ ભેગું કર્યું હતું એ આ બંને ખાવા લાગ્યા અને ખાતાં-ખાતાં લડવા લાગ્યા. ગદર્ભ આખલાને લાતો મારતો અને આખલો ગદર્ભને શિંગડાના પ્રહાર કરતો હતો. એમની લડાઈમાં આ સૂકા ઘાસમાંથી ઉડેલી એક દૂર્વા ગણપતિજીના મસ્તક પર પડી. આ લડાઈ કરતાં-કરતાં ચાંડાલણી, આખલો અને ગદર્ભ ત્રણેય જણાં દેવાલયની આજુબાજુ દોડવા લાગ્યા અને આમ અકસ્માતથી જ એ ત્રણેય જણાએ દેવાલયની એક પ્રદક્ષિણા પૂરી કરી લીધી. આમ, અચાનક અકસ્માતે જ દૂર્વા પ્રાપ્ત થતાં અને પ્રદક્ષિણા પૂર્ણ થતાં ભગવાન ગજાનન પ્રસન્ન થઈ ગયાં અને તેમણે આ ત્રણેયને તેમના મૂળ સ્વરૂપ પાછાં આપ્યાં.

આ જોઈ આશ્ચર્ય પામી ભગવાન ગણેશના ભક્તોએ ગણેશજીને પૂછયું કે, 'આ ત્રણેય અમંગળ પ્રાણીઓએ એવું તે શું કર્યું કે તેઓ ગણેશલોક પામ્યા અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયાં અને અમે આટલું તપ અને પૂજાવિધિ કરીએ છીએ છતાં ભગવાન ગણેશજી પ્રસન્ન થતાં નથી?' ભગવાન ગણેશના ભક્તોનો પ્રશ્ન સાંભળી ભગવાન ગણેશના સેવકો બોલ્યાં કે, 'આ ત્રણેય જણાએ ભગવાન ગજાનનને દૂર્વા અર્પણ કરી છે, એટલે એમને આ ફળ મળ્યું છે. તેમના યથાર્થ પુણ્યનું વર્ણન કરવાની અમારી શક્તિ નથી. પરંતુ એ બાબતમાં ઈન્દ્ર અને દેવર્ષિ નારદ વચ્ચે થયેલો સંવાદ અમે સાંભળ્યો છે એ તમને અમે કહીએ છીએ.' એક દિવસ દેવર્ષિ નારદ ઈન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઈન્દ્રએ નારદજીને ગણપતિજીને દૂર્વા અર્પણ કરવાનું મહાત્મ્ય પૂછયું. એટલે દેવર્ષિ નારદજીએ એક કથા કહી. તેમણે કહ્યું કે 'પુર્વે સ્થાવર નામના નગરની સમીપે કૌન્ડિન્ય નામના ઋષિ રહેતા હતાં. એમના આશ્રમની નજીકમાં એક સુંદર સરોવર હતું. કૌન્ડિન્ય ઋષિએ આ સ્થાને ભગવાન ગણેશજીની ચતુર્ભુજ મૂર્તિ પ્રસ્થાપિત કરી અને ત્યાં ઉપાસના પ્રારંભ કરી. તેઓ પુષ્કળ દૂર્વા ગણપતિજીને અર્પણ કરતાં હતાં. એટલે એમના પત્નિએ એમને પૂછયું કે, 'ભગવાન ગણપતિજીને દુર્વા કેમ પ્રિય છે?' આ પ્રશ્ન સાંભળી કૌન્ડિન્ય ઋષિએ એમની પત્નિને દૂર્વા મહાત્મ્ય કહ્યું. 

કૌન્ડિન્ય ઋષિએ કહ્યું કે, પૂર્વે યમરાજના નગરમાં એક ભવ્ય ઉત્સવ થયો હતો. એમાં દેવ, ગંધર્વો વિગેરે આવ્યા હતાં. આ સમયે ત્રિલોકસુંદરી અપ્સરા તિલોત્તમા નૃત્ય કરતી હતી. એનું સૌદર્ય અને કામચેષ્ટાઓ જોઈ યમરાજ વિહવળ થઈ ગયાં અને એમના વીર્યનું સ્ખલન થઈ ગયું. યમરાજના વીર્યમાંથી એ જ સમયે એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો. જન્મતા જ એ રાક્ષસે ભયંકર નાદ કર્યો તેથી ત્રીભુવન કંપી ઉઠયાં. એનાં નેત્રોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. સૌ ભયભીત થઈ ગયાં અને રક્ષા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, 'એનો વધ કરવા ભગવાન ગણેશ જ સમર્થ છે.' ત્યારબાદ સૌ દેવો ભગવાન ગણેશ પાસે ગયાં અને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન ગણેશે સૌ દેવોને કહ્યું કે, 'અનલાસુરે તમને ત્રાસ આપ્યો છે એટલે એનો વધ કરવા હું બાળસ્વરૂપે પ્રગટ થયો છું.' એમ કહી ભગવાન ગણેશ આ અસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. એ જ સમયે અનલાસુર દશેય દિશાઓ ઉજાડતો, સર્વનું ભક્ષણ કરતો ત્યાં ગણેશજી સામે આવી પહોંચ્યો અને એ જેવો તેમની સામે ધસ્યો કે તરત ગણેશજીએ પોતાનું વિશાળ મુખ ખોલીને તે અનલાસુરને ગળી ગયા. આ અસુરને ગળી જવાથી એમના પેટમાં દાહ ઉપડયો. બધા દેવો ગણેશજી પાસે આવ્યા અને ગજાનનનો દાહ શાંત કરવા એમના મસ્તક પર શીતલ અને અમૃતમય ચંદ્ર સ્થાપ્યો અને એમને 'ભાલચંદ્ર' એવું નામ આપ્યું. વિષ્ણુજીએ પોતાના હાથમાંનું શીતલ કમળ અર્પણ કર્યું એટલે એમનું નામ 'પદ્મપાણિ' પડયું. ભગવાન શંકરે એમને સહસ્ત્રફણાઓ વાળો નાગ અર્પણ કર્યો એટલે તેઓ 'વ્યાલ બદ્ધોદર' કહેવાયા. તો પણ એમનો દાહ શાંત થયો નહીં.

ભગવાન ગણેશના ગણોનાં વચન સાંભળી સર્વે ભક્તોએ તરત જ સ્નાન કર્યું અને દૂર્વાદલથી ભગવાન ગજાનન મહારાજની પૂજા-અર્ચના કરી. દૂર્વાયુક્ત પૂજનથી ભગવાન ગજાનન પ્રસન્ન થયાં અને ભગવાન ગજાનને સર્વેનો ઉદ્ધાર કર્યો. 

અસ્તુ..

પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Related News

Icon