
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 'કેપ્ટન કૂલ'નામ માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટે અરજી આપી હતી.ધોનીએ રમત ટ્રેનિંગ, ટ્રેનિંગ સુવિધાઓ અને સ્પોર્ટ્સ કોચિંગ સેવાઓ માટે ક્લાસ 41 હેઠળ રજિસ્ટર કરાવ્યું છે. આ ટ્રેડમાર્ક તેમના નામને કાનૂની રક્ષણ તો આપે છે જ સાથે સાથે તેમની બ્રાન્ડ વેલ્યુ અને ઓળખને પણ મજબૂત બનાવે છે.
ધોનીએ કેપ્ટન કૂલ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યું
ધોનીના વકીલ માનસી અગ્રવાલે આ સિદ્ધિની જાણકારી શેર કરતા કહ્યું કે આ ઘટના બતાવે છે કે પર્સનલ બ્રાંડિગ અને ઓળખ સાથે જોડાયેલી વિશિષ્ટતા કેવી રીતે કાયદાકીય રીતે કામ આવે છે, ભલે પહેલાથી કોઇ સમાન ટ્રેડમાર્ક હાજર હોય.
ધોનીના 'કેપ્ટન કૂલ' ટ્રેડમાર્કને પહેલા ટ્રેડમાર્ક એક્ટની કલમ 11(1) હેઠળ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેનું કારણ એ હતું કે આ નામ સાથે એક ટ્રેડમાર્ક પહેલાથી જ નોંધાયેલો હતો અને નવો ટ્રેડમાર્ક લોકોમાં મૂંઝવણ પેદા કરી શકે છે. ધોનીએ દલીલ કરી હતી કે 'કેપ્ટન કૂલ' નામ ઘણા વર્ષોથી ધોની સાથે જોડાયેલુ છે અને તેને લોકો,મીડિયા અને ચાહકો દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે.
ટ્રેડમાર્ક રજિસ્ટ્રીએ આ દલીલ સ્વીકાર કરી અને માન્યુ કે 'કેપ્ટન કૂલ' માત્ર એક સામાન્ય શબ્દ નથી પણ આ ધોનીની પર્સનાલિટી, બ્રાન્ડ અને છબીનો ભાગ છે.
મહત્ત્વપૂર્ણ છે કે ધોની લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહ્યો હતો. વિકેટ પાછળ કૂલ અંદાજમાં મેચ પલટવાની તેની ક્ષમતાને કારણે તેને કેપ્ટન કૂલ કહેવામાં આવતો હતો.ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે પરંતુ IPLમાં તે ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટન્સી કરતો જોવા મળે છે.