
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલ, એવી અટકળો ચાલી રહી છે તે, તે પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે ફરી હાથ મિલાવી શકે છે. આ દરમિયાન રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે, ભાજપ રાજ્યની રાજનીતિમાંથી પવાર અને ઠાકરે બ્રાન્ડને ખતમ કરવાનું કાવતરૂં ઘડે છે. જોકે, બાદમાં તેમણે ભાર મૂકીને કહ્યું કે, આ બ્રાન્ડને ખતમ નહીં કરીસ શકાય.
આ બ્રાન્ડ ક્યારેય ખતમ નહીં થાયઃ રાજ ઠાકરે
પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે રાજ ઠાકરેએ કહ્યું કે, 'ઠાકરે બ્રાન્ડની વાત કરીએ તો મારા દાદા પ્રભોધનકાર ઠાકરેએ મહારાષ્ટ્ર પર સૌથી પહેલા ઊંડો પ્રભાવ પાડ્યો. ત્યારબાદ બાળાસાહેબ ઠાકરે, બાદમાં મારા પિતા શ્રીકાંત ઠાકરે જેમણે સંગીતમાં ઓળખ બનાવી. ત્યારબાદ ઉદ્ધવ અને મેં પણ રાજકારણમાં પોતાની ઓળખ બનાવી. એ પણ છે કે, ભાજપ બંને બ્રાન્ડ્સને ખતમ કપરવા ઈચ્છે છે પરંતુ, આ શક્ય નથી. ભલે નેતા બદલાઈ જાય પરંતુ, બ્રાન્ડ જીવિત રહે છે.'
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
નોંધનીય છે કે, રાજ ઠાકરેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી હલચલ મચી છે. ખાસ કરીને જ્યારે ઠાકરે અને પવાર પરિવારમાં વિભાજન અને સંભવિત મેલ-મિલાપની અટકળો ચાલી રહી છે. હવે રાજ ઠાકરેના આ નિવેદનથી બંને ભાઈઓ ફરી એક થશે તેવી અટકળોને હવા મળી છે. જોકે, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ ચર્ચાઓને ફક્ત ભાવનાત્મક સંવાદ જણાવી સ્પષ્ટ કર્યું કે, હવે કોઈ ગઠબંધનની વાત નથી.
શું એક થશે ઠાકરે બંધુ?
રાજ ઠાકરેએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રનું હિત મારા માટે સૌથી ઉપર છે. જો ઉદ્ધવ ઠાકરે સાથે કામ કરવા તૈયાર હોય તો હું પણ મારા મતભેદને બાજુંએ મૂકી શકું છુ.' આ નિવેદનની જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.
ભાજપ પર કર્યા પ્રહાર
રાજ ઠાકરેએ હાલમાં એક વાઈરલ ફોટાને ટાંકીને ભાજપ પર નિશાન સાધ્યું જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવસી NCPના નેતા અજિત પવાર, સુનીલ તટકરે, અશોક ચૌહાણ, નારાયણ રાણે અને છગન ભુજબલ સાથે જોવા મળી રહ્યા હતાં. આ ફોટો શેર કરતા તેમણે કહ્યું કે, 'આ એ જ લોકો છે, જેમની સામે ભાજપ કાર્યકર્તાઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો. આજે આ જ નેતા સત્તામાં બેઠા છે. શું ભાજપ સમર્થક ખુદને છેતરાયેલા નહીં અનુભવતા હોય?'
રાજ ઠાકરેએ પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાન સાથે યુદ્ધ કોઈ સમાધાન નથી. આપણે જે કર્યું તે યુદ્ધ નહતું. યુદ્ધ શું હોય તે ગાઝા પટ્ટીમાં જોઈ લો. 26 લોકોનો જીવ ગયો પરંતુ, શું એ આતંકવાદીઓને પકડવામાં આવ્યા? તે આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.'
2005માં રાજ ઠાતરેએ શિવસેનાથી અલગ થઈને MNS બનાવી હતી. તે સમયે તેમણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની રીતથી અસંમતિ વ્યક્ત કરી હતી. MNSએ શરૂઆતમાં આક્રામક શૈલી સાથે ઉત્તર ભારતીયો પર પ્રહાર અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાને લઈને ઘણી ટીકા કરી હતી.