
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. ત્યારે દુર્ઘટનાનો ભોગ બનેલા નેન્સીબેન પટેલની ત્રણ વર્ષની માસુમ દીકરી મમ્મી ઓફિસ ગઈ ? તેવો પ્રશ્ન પુછે છે. પરંતુ પરિવારજનો પાસે તેનો કોઈ જવાબ નથી. અકસ્માતની જાણ થતાં નેન્સીબેનના પતિ લંડનથી વડોદરા આવ્યા હતા. રવિવારે તેમના ઘરે સગા સબંધીઓની સતત અવર-જવર રહી હતી અને તમામ લોકોમાં ભારે ગમગીની જોવા મળી રહી હતી. ચૈત્રેશભાઈ પટેલ તેમની પત્નિ નેન્સીબેન અને ત્રણ વર્ષની દીકરી આંશી સાથે લંડનમાં રહેતા હતા. પંદર દિવસ પહેલા જ નેન્સીબેન અને દીકરી આંશી બંને વડોદરા આવ્યા હતા.
સ્કૂલમાં વેકેશન ચાલુ હોવાથી અને દાદા-દાદી સાથે ત્રણ વર્ષની આંશીને વધુ લાગણી હોવાથી તેને થોડા મહિના વડોદરા ખાતે દાદા-દાદી સાથે રહેવા દેવાનું નક્કી થતા 12 જૂને ફ્લાઈટમાં નેન્સીબેન પટેલ એકલા ગયા હતા અને તે દુર્ઘટનાનો ભોગ બન્યાં હતા. બનાવની જાણ છતાં પરિજનો અમદાવાદ ખાતે દોડી ગયા હતા. હવે દીકરીને શોધવા પિતા દિલીપભાઈ પટેલે ડીએનએ માટેના સેમ્પલ આપ્યા હતા.
ત્યારબાદ પરિવારજનો રવિવારે અમદાવાદથી વડોદરા પરત આવ્યા હતા. તેમના એક સબંધી મનીષભાઈએ જણાવ્યું હતું કે, અમને હોસ્પિટલ તરફથી 72 કલાકનો સમય મળ્યો છે. બનાવની જાણ થતાં જ નેન્સીબેના પતિ ચૈત્રેશભાઈ પટેલ લંડનથી નીકળ્યા હતા અને રવિવારે સવારે વડોદરા આવી ગયા હતા.