
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કના ગાઢ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. એક સમય બંને એકબીજાના ભરપૂર વખાણ કરતા હતા, જોકે હવે બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, મને તેમની સાથે વાતચીત કરવાનું મન થતું નથી. ટ્રમ્પે શુક્રવારે સવારે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્ક મારી સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું વાતચીત કરવા માટે તૈયાર નથી.
ટ્રમ્પને મસ્કનો પ્રશ્ન પૂછાતા ભડક્યા
ઈન્ટરવ્યૂ દરમિયાન મસ્ક સાથે શેડ્યૂલ કરાયેલી બેઠક અંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘તમારો મતલબ છે, તે વ્યક્તિ, જેનું મગજ ખરાબ થઈ ગયું છે?’ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, તેઓ તેમની સાથે વાત કરવા માટે વિશેષરૂપે ઈચ્છુક નથી. વાસ્તવમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચે એક બિલના કારણે વિવાદ ઉભો થયો છે. વન બિગ બ્યૂટીફુલ બિલ એક્ટના કારણે મસ્ક ટ્રમ્પથી નારાજ થઈ ગયા છે.
મસ્ક અને ટ્રમ્પની ગાઢ મિત્રતા દુશ્મનીમાં કેવી રીતે બદલાઈ ગઈ?
વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ ‘વન બિગ, બ્યુટીફૂલ બિલ’ લઈને આવ્યા, જે મસ્કના આર્થિક સામ્રાજ્યને પ્રતિકૂળ અસર કરે એવું હોવાથી મસ્ક ભડક્યા. આ બિલમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ નાબૂદ કરાઈ હતી, જેની સીધી અસર મસ્કના ટેસ્લાના વેચાણ પર પડે એમ છે. તેથી મસ્કે એ બિલને વિનાશક ગણાવીને પહેલા તો શાંતિપૂર્વક વિરોધ કર્યો, પણ જ્યારે એ કામ ન લાગ્યો ત્યારે તેઓ ખુલ્લેઆમ એમના વિરુદ્ધ બોલવા લાગ્યા. આમ થતાં બંને વચ્ચે ખટરાગ સર્જાયો અને મસ્કે એમને ટ્રમ્પ વહીવટી તંત્રમાં સોંપાયેલી જવાબદારીઓથી છેડો ફાડી લીધો.
મસ્કે ટ્રમ્પને ઘણો સહકાર આપ્યો
ઉલ્લેખની છે કે, વર્ષ 2024માં ટ્રમ્પ અમેરિકન પ્રમુખપદની ચૂંટણી લડતા હતા ત્યારે મસ્કે તેમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. મસ્કે તેમની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ દ્વારા ટ્રમ્પના સમર્થનમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી. તેમણે ઘણી વખત ટ્રમ્પની પ્રચાર રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ટ્રમ્પ જીત્યા એ પછી મસ્કને એમની દોસ્તી બદલ પુરસ્કાર મળ્યો હતો. ટ્રમ્પે તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી (DOGE)નો હવાલો આપીને ખૂબ બધી સત્તા આપી દીધી હતી. જોકે હવે એક બિલના કારણે ટ્રમ્પ અને મસ્ક ગાઢ મિત્રોમાંથી એકબીજાના વિરોધી બની ગયા છે.