
- ગાય ઘાસ ખાય છતાં તેમાથી દૂધ બનાવે, સાપ દૂધ પીએ છતાં તેમાથી ઝેર બનાવે આ સજ્જન અને દુર્જનનો તફાવત છે.
- ચોખાના દાણા કંકુમાં ભળે તો કેટલાય રાજા-મહારાજાઓને નમાવી દે પણ એજ ચોખાના દાણા મગની સાથે ભળે તો પોતાના રૂપરંગ તમામને ખોઈ બેસે અને લોકો તેને ''ખિચડી'' કહીને વગોવે
- જવાબદારી ભર્યા સ્થાને બેઠેલાની ''ચાલશે''ની મનોવૃત્તિ ભૂખ્યા સિંહના પાંજરામાં પ્રવેશ કરવા જેવી પુરવાર થાય છે.
- માં પાસેથી સંસ્કાર નથી શિખવા તો બિલાડીના અવતારમાં માં એવી મળશે કે ઊંદર કેવી રીતે મારવા તે શિખવશે.
- બીજાને સુખી કરીને રાજી થવું સહેલું છે પરંતુ બીજાને સુખી જોઈને રાજી થવું કઠીન છે
- આળસ એ આરામ નથી,કંજુસાઈ એ કરકસર નથી અને ઊડાઉપણું એ ઉદારતા નથી.
- લોકાચાર દંભ છે,પાપને ઢાંકવાના પ્રયત્ન કરવાનું તકલાદી ઢાંકણ છે.
- જેમ તેલમાં ગમે તેટલું પાણી નાખો તો પણ તેલ પાણીમય થઈ જતું નથી, તેમ જુઠ અને અણહક્કરૂપી પાપકર્મ કરતા ગમે તેટલા પુણ્ય કરવામાં આવે તો પણ પેલા પાપ ઓગળી પુણ્યમાં ભળી જતાં નથી.
- સેંકડો મિષ્ટાન્નો ખાધા છતાં જીભ ચીકણી થતી નથી તેમ અનેક ભોગ ભોગવ્યા છતાં મન ધરાતું નથી.
- બનવાકાળ એટલે બીજું કશું નહિ,પોતાના કરેલા કર્મ જ ભોગવવાના છે.
- એ જ મનુષ્ય સુખી છે જેની પાંસે સદ્બુધ્ધિ અને વિવેક હોય છે.
- વિદૂરજીના પુણ્યથી કૌરવો સુખી હતા,વિભિષણના પુણ્યથી રાવણ સુખી હતો પરંતુ તેમને હાંકી કાઢયા પછી કૌરવો અને રાવણનો વિનાશ થયો.પુણ્યનું રક્ષણ જતું રહ્યું.
- અનીતિનું હસીને લે છે એને રડીને કાઢવું પડે છે.
- કર્મની ગતિ આગળ માળા કે ગ્રહોના નંગ કામ નથી આવતા
- સુતા જગાડયા સંત ભલા,લેવડાવે રામનું નામ,પણ ત્રણ મત જગાડજો,સિંહ,દીપડો ને સાંપ.
- આજે દિવસ છે એમનો,કાલે તમારો આવશે,પ્રારબ્ધ આગળ કોઈ,ફાવ્યો નહિ કે ફાવશે.
- સંત,સપૂત અને તુંબડા,ત્રણેય એક જ સ્વભાવ,તારે પણ બોળે નહિ,જેને તાર્યા ઉપર ભાવ.
- મન રાખો મજબૂત,જગતને કોઈ નહિ જીતે,
- બહુ બોલે તો કહે બાબરો,કમ બોલે કપટી.