
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયું છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ પણ ઇરાન પર હુમલાનો પ્લાન બનાવ્યો છે.આ વચ્ચે ઇઝરાયેલે ઇરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા હુમલો કર્યો છે.
ઇઝરાયેલનો ઇરાન પર ઘાતક હુમલો
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે જણાવ્યુ કે તેને 60 ફાઇટર એરક્રાફ્ટ દ્વારા તેહરાન પર હુમલો કર્યો છે. ઇઝરાયેલે યૂરેનિયમ એનરિચમેન્ટ સાઇટને નિશાન બનાવી છે. આ સાથે સાથે 20થી વધુ ઇરાની સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે.
ઇરાનના અરાક અને ખોંડબમાં પણ હુમલો
ઇઝરાયેલ સતત ઇરાનમાં હુમલા કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર હવે તેને અરાક અને ખોંડબ રિએક્ટસની આસપાસના વિસ્તારમાં બોમ્બમારો શરૂ કર્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે તેની આસપાસના વિસ્તારને ખાલી કરાવવાની ચેતવણી પણ જાહેર કરી છે.
ઇરાને પણ આપ્યો ઇઝરાયેલને જડબાતોડ જવાબ
ઇરાન તરફથી દાવો કરવામાં આવ્યો કે તેને પ્રથમ વખત ઇઝરાયેલ પર સેજ્જિલ મિસાઇલ છોડી છે. ઇરાને ઇઝરાયેલ પર હુમલામાં 2000 કિમી રેન્જ ધરાવતી સેજ્જિલ મિસાઇલનો ઉપયોગ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એક ઇમરજન્સી બેઠક કરશે. ઇરાને બેઠકનો અનુરોધ કરતા કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાની સીધી ભાગીદારી છે અને તેને કારણે સ્થિતિ ખતરનાક બની ગઇ છે.
ભારતે ઇરાનમાં શરૂ કર્યું 'ઓપરેશન સિંધુ'
ઈરાનમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અને ત્યાથી પરત લાવવા ભારત સરકારે 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું છે. ત્યારે ઈરાનમાંથી બહાર કાઢવામાં આવેલા 110 ભારતીય વિદ્યાર્થીઓનું એક વિમાન ગુરુવારે (19મી જૂન) વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા, ત્યાથી તેમને ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં 90 જમ્મુ-કાશ્મીરના છે, જે મેડિકલનો અભ્યાસ કરતા હતા.
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધમાં 600થી વધુ લોકોના મોત
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિ ખરાબ થઇ છે અને બન્ને દેશ એક બીજા પર હુમલા કરી રહ્યાં છે. આ હુમલામાં અત્યાર સુધી 639 લોકોના મોત થયા છે.