
Ahmedabad Fire: અમદાવાદના શ્યામલ વિસ્તારમાં કોર્પોરેટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત-જોતામાં બિલ્ડિંગમાં ચારેય તરફ આગનો ધુમાડો ફેલાઈ ગયો હતો. તાત્કાલિક ધોરણે ફાયરની ટીમને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. હાલ, ફાયરની ટીમ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના શ્યામલમાં મોર્યાંશ એલેન્ધા બોલિંગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર OYO ની ઓફિસ હતી, જેમાં વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા તુરંત ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું છે. આ બિલ્ડિંગ કાચની હોવાથી ફાયરની ટીમે આગ ઓલવવા માટે કાચ તોડીને અંદર જવું પડ્યું હતું. જોકે, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ‘પ્રાથમિક નજરે આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ આગ ઓલવાઈ ગયા બાદની તપાસમાં જ સામે આવશે.’
આગની વિકરાળ સ્વરૂપ જોતા બિલ્ડિંગ અને ઓફિસ પાસે ફાયર NOC ને લઈને પણ મોટા પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. હાલ, ફાયર સાથે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.