
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં આ પદ ખાલી છે. ત્યારે આ પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઇને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઇને અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ હતી. જેમાં પાટીદાર નેતાને પ્રમુખ પદ સોંપવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ પાટણમાં મહાસંમેલન યોજવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓ દિલ્લી મળવા માટે જશે
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહે રાજીનામું આપ્યા બાદ જગ્યા ખાલી થતાં હવે આ પદ ઉપર પાટીદાર સમાજના આગેવાનને બેસાડવા અમારી માંગ છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાથે બેઠકમાંથી ટેલિફોનિક વાત થઈ છે. રાહુલ ગાંધીનો સમય મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓ દિલ્લી મળવા માટે જશે.
જ્યાં જ્યાં પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં ત્યાં અમે પહોચીશું
અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં કિરીટ પટેલ, લલિત વસોયા, ગીતા પટેલ, લલિત કગથરા, મનહર પટેલ, ડૉ જીતુ પટેલ, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજે ૨૦૧૫ અને ૨૦૧૭ માં ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ સાથે જોડાયો હતો. ફરી એકવાર પાટીદાર સમાજને કોંગ્રેસ સાથે જોડવા પ્રયત્ન કરવામાં આવશે. કોઈપણ પદ માંગવાનો તમામને અધિકાર છે. પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે કાર્યક્રમો યોજીશું. જ્યાં જ્યાં પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં ત્યાં અમે પહોચીશું.
કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બાંયો ચડાવી
હાલમાં કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિપક્ષના પદને લઇને મોટો ડખો પડ્યો છે. કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બાંયો ચડાવી છે. પાટણમાં યોજાનારા આ મહાસંમેલનમાં પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહેશે. કોંગ્રેસ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, જિલ્લા-તાલુકા સહિતના તમામ આગેવાનો હાજરી આપશે. તાજેતરમાં શહેર, તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂંકને લઇને કોંગ્રેસમાં છૂટો છવાયો ડખો ચાલી રહ્યો હતો. જે હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
મુખ્ય આ ત્રણ મુદ્દાઓ પર રહેશે ફોકસ
આ સંમેલનમાં રાહુલ ગાંધીને મળવાનો ટાઇમ માંગવામાં આવશે. રાહુલ ગાંધીને મળીને 3 મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધીને મળવા કોણ કોણ જશે તેની એક ટીમ બનાવવામાં આવશે. રાહુલ ગાંધીને મળીને કઇ કઇ માંગણીઓ કરવી તેને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ માંગણીઓ ત્યાં લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. આ માંગણીમાં મુખ્યત્ત્વે ત્રણ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે. જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભરત સિંહ અને અમિત ચાવડાને સાઇડલાઇન કડી પાટીદાર નેતા અથવા બીજા કોઇ નેતાને સુકાન સોંપવામાં આવે. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરને સમાજમાંથી મુખ્ય નેતા તરીકે સ્થાન અપાય તેવી માંગ કરાશે. પાટીદાર નેતાઓનું માનવું છે કે પાટીદાર સમાજ વર્લ્ડની સૌથી પાવરફૂલ કોમ્યુનિટી છે જેને કોંગ્રેસ નજરઅંદાજ કરી રહી છે.
પાટીદાર સમાજ કેટલાક અંશે વહેંચાઇ ગયો છે
ઉલ્લેખનીય છે કે મંગળવારે અમદાવાદ ખાતે યોજાયેલી પાટીદાર નેતાઓની બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો સહિતના આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કથગરા અને પ્રતાપ દુધાતે કહ્યું હતું કે પાટીદાર સમાજ કેટલાક અંશે વહેંચાઇ ગયો છે, તેને કોંગ્રેસ તરફ વાળવા માટે પ્રયાસ કરીશું. ગુજરાત કોંગ્રેસનुं પ્રમુખ પદ પાટીદાર નેતાને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે.
કોંગ્રેસે ૭ જિલ્લાની આગેવાની પાટીદાર સમાજના નેતાને આપી
બેઠક બાદ પ્રતાપ દુધાતે કહ્યું હતું કે, કોંગ્રેસે ૭ જિલ્લાની આગેવાની પાટીદાર સમાજના નેતાને આપી છે. ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાની લેવા સક્ષમ છે. ભૂતકાળમાં અનેક આંદોલનોમાં પાટીદાર સમાજ આગેવાની લઈ ચૂક્યો છે.