
- દિવસભર ધબકતો માણસ, દિવસભર અનેક પ્રવૃત્તિઓથી ભરેલો માણસ સાંજ પડતા પોતપોતાની એકલતાના પાદરમાં પડખા બદલતો હોય છે.
પાદર
પાદર તો પથરાઈ સૂતું,
ધીમું ધીમું રુએ,
ગામ અંચળો માથે ઓઢી,
ઘડી ન સામું જુએ.
દન ઊગે ને પાદર માથે ઝાંઝર લે ઝણકારા,
આટા-પાટા, મોઈ-દાંડિયા, ગોધણના રણકારા.
સાંજ પડે કે સૌ વિખરાતાં,
પાદર પાણી ચૂએ.
ગામ ઘરોમાં સાંજે દીવા,
મોભે રંગ પરોવે,
પડખે લઈને કોક વિરહને, ધૂ્રસ્કાંને સંડોવે,
ઈ પેરે એકલતા ઓઢી,
પાદર તાકે કૂવે.
દહાડે પાદર પગલાં વીણી, પગલે પગલે ધબકે,
રાતે કાળી ડિબાંગ ચાદર,
ઓઢી પાદર હિબકે,
ઉજાગરે આળોટે પાદર,
ગામ મજાનું સૂવે,
પાદર તો પથરાઈ સૂતું,
ધીમું ધીમું રુએ.
- ભાસ્કર ભટ્ટ
૧૯૮૩-૮૪ની સાલમાં ગાંધીનગરના એક કવિ સંમેલનમાં ''કુંવળનો અજવાસ'' કાવ્ય સંગ્રહના કવિને ગીત રજૂ કરતા સાંભળ્યા હતા.
શ્યામને કહેજો સાંજની વેળા સાંભરી આવે નઈ,
સમણાંના ધણ વેણના નાદે સાકરી લાવે નઈ.
કુંવળ, સાકરી આ બધા શબ્દો સાંભળતા કાન ચમક્યા હતા સાદ કરવા ઉપરથી સાકરે, સાકરવું શબ્દ બનેલો છે. મારા વતન તરફના અ શબ્દો અને ઉચ્ચારો, સાંભળીને આશ્ચર્ય પણ થયેલું. ભાસ્કર ભટ્ટ આપણા ગુજરાતી ભાષાના એક અચ્છા ગીતકાર છે. પરંતુ ગુજરાતી ભાષામાં ઘણાં બળુકા સર્જકો કોઈને કોઈ કારણસર સતત સક્રિય નથી રહ્યા એવું બન્યું છે.
પાદર કવિતા એકલતાની પીડાની કવિતા છે. દિવસભર જે પાદર ધમધમતું હોય છે એ સાંજ પડતાં કેવું સૂનું થઈ જતું હોય છે ! કેવી એકલતાની પીડા અનુભવતું હોય છે તેનો અનુભવ આ કવિતામાં થાય છે. હવે કદાચ બાળકોને ખાસ ગામડે પાદર જોવા લઈ જવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાદર ધૂળિયું જ હોય. સાંજ પડતા ગાયો ગામ તરફ પાછી વળતી હોય ત્યારે તેમના પગથી ઉડતી ધૂળ એ જોવી ગમે. એ ઉપરથી શબ્દ બન્યો છે ગોધૂલિ-સમી સાંજનો સમય. પણ હવે પાદરનો અર્થ સમજાવો હોય તો એમ કહી શકાય કે ગામ પૂરું થાય અને મોટી-પાકી સડક શરૂ થાય ત્યાં સુધીનું મેદાન.
રાત પડતા પાદર એકલું-એકલું ચારેકોર પથરાઈને સૂતું છે અને ધીમું-ધીમું રડી રહ્યું છે. ગામ પાદરનો અભિન્ન ભાગ છે પરંતુ ગામ તો માથે અંચળો ઓછાડ ઓઢીને બેઠું છે. ગામને પાદરની સામે જોવાની ઘડીયે ફૂરસદ નથી. દિવસ ઊગે અને પાદરમાં પાણી ભરવા જતી બહેનોના ઝાંઝરના ઝણકારા સંભળાય છે. આખો દિવસ ગામડાના બાળકો જે રમત રમતા હોય છે એ આટા-પાટા, મોઈ-દાંડિયા-અવાજો સંભળાય છે. ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના રણકારા સંભળાય છે પણ જ્યાં સાંજ પડે છે ત્યાં તો બધું જ વિખરાઈ જાય છે. જાણે પાદર એકલું - એકલું રડતું હોય છે તેની જોડે જ ઊભેલા તળાવ કે કૂવાની સાક્ષીએ.
ગામના ઘરોમાં સાંજે દીવા થાય. ઘરેઘરમાં અજવાળે - અજવાળે જુદા-જુદા રંગ દીપી ઉઠતા હોય છે. કોઈ ગામની અંદર એકલું-એકલું જુદાઈમાં, વિરહમાં ધુ્રસકાઓ ભરીને સૂતું હોય છે. બસ એની જેમ જ પાદર પણ ગામના કૂવા પાસે એકલતા ઓઢીને સૂતું હોય છે.
દિવસ આખો પાદર આખા ગામના પગલાં વીણી-વીણીને પગલે-પગલે ધબકતું હોય છે. જીવતું હોય છે. રાત્રે કાળીડિબાંગ ચાદર ઓઢીને હિબકા ભરી લેતું હોય છે. પાદરને દિવસભર જોયેલા ચહેરાઓનો વિરહ સતાવે છે. જાણે ઉજાગરામાં આખી રાત પાદર પડખાં બદલ્યા કરે છે અને ગામ ટેસથી ઊંઘી ગયું હોય છે. દિવસભર ધબકતો માણસ, દિવસભર અનેક પ્રવૃત્તિઓથી ભરેલો માણસ સાંજ પડતા પોતપોતાની એકલતાના પાદરમાં પડખા બદલતો હોય છે.
ભાસ્કર ભટ્ટની કવિતાઓમાં આંખ અને આંસુ પણ અઢળક આવે. ''ફળિયે ઢોલ ઢબુકા'' કાવ્ય સંગ્રહમાંથી જ બે પંક્તિ જોઈએ.
હૈયાના ખેતરમાં પાછા ચાસ પડયા છે ઊંડા,
આંસુ જેવા દાણા લઈને નીકળશે અહીં ડૂંડા.
રમેશ પારેખે તેમના ગીતો વિશે જે જણાવ્યું છે તે જોઈએ. ''આ કવિને ઠેઠની લોકભાષા હસ્તામલકવત છે. છંદ તો હાથવગા ને હૈયાવગા છે. સંવેદનતા તો જાણે પટારા ભર્યા છે. વાણી પણ વિવેકપુત અને પ્રાસાદિક છે આટલી મત્તા હોય એ કવિની કવિતા સમૃદ્ધ કેમ ન હોય ? ભાસ્કર ભટ્ટ પ્રમાદવશ ન હોત તો ગુજરાતી કવિતામાં તેમના નામના ઉલ્લેખ વિના આગળ વધવું વિવેચકોને માટે અશક્ય બનત.''
પણ કવિતા સૌને એકસરખી નથી ફળતી એ વાત આ કવિ જાણે છે. શબ્દકોષના જ લખેલા શબ્દો કવિતામાં હોય છે છતાં શબ્દકોષ લઈને કવિતા લખવા બેસીએ તો કવિ ન બનાય. એ જ રીતે બધા જ ઉત્તમ કવિ પણ નથી બની શકતા. કવિતાનું એવું છે કે તે કોઈને કંકુ-ચોખાથી વધાવે છે, કોઈને માત્ર કાગળની કતરણ હાથમાં આવે છે અને કોઈને માત્ર શબ્દોના ખાલી ખોખા હાથમાં આવે છે. ઉમાશંકર જોષીનું ગીત યાદ આવી જાય... કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડયું... ગીત ક્યાંથી મળશે ? કવિતા ક્યાંથી જડશે ? એ કંઈ જ નક્કી નથી હોતું. ક્યારેક ખુલ્લી આંખે બ્હાર બધે અંધાર છવાયેલો લાગે.
ક્યાંયથી કવિતા ન જડે. અને ક્યારેક આંખ મીંચો ને ભીતર ઝળહળતા ઝબકારા મળે. શબ્દના લેખા-જોખા કોઈ કરી શકતું નથી.
ક્યારેક એક પંક્તિમાં ગ્રંથોના ગ્રંથો સમાઈ ગયા હોય છે અને ક્યારેક કેટલાય ગ્રંથ વાંચો અને છતાંય કશું ના મળે. કોઈ શબ્દો સિંહ જેવા જ પ્રભાવી લાગે અને કોઈ શબ્દો નિર્જીવ ચાડિયા જેવા કવિતા વચ્ચે ઊભા હોય તેમ લાગે છે. પ્રેરણાનો દરિયો, નદી, નાના વહેળા, ઝરણાં એ ચારેકોર દેખાય છે પરંતુ બધું જ પાણી મોતી નથી બની શકતું. એ તો અંતરની છીપમાં જે પાકે, જે કવિતા બને એ જ શબ્દ મોતી સમો હોય છે. ભાસ્કરભાઈની કવિતા ઉપરની કવિતા વાંચીએ.
કવિતા વિશે કવિતા
કવિતાનું કૈં એવું છે કે, કોઈને કંકુ-ચોખા,
કોઈને કાગળ કતરણ જડતી, કોઈને સાવ મલોખાં.
ક્યાંથી મળશે, ક્યાં જઈ ઢળશે,
ના કૈં પણ અણસારો,
ખુલ્લી આંખે અંધારા તો,
આંખ મીંચ્યે ઝબકારો,
કરી શકે ના કોઈ શબદનાં, સાચાં લેખાં-જોખાં..
કોઈ કડી ઠાલવતી ગ્રંથો,
કોઈ ગ્રંથ બસ કડીઓ,
કોઈ બ્રહ્મ સરવાળા માંડે,
કોઈ ગણે છે ઘડીઓ.
કોઈ શબદ સાવજ થૈ ડણકે, કોક ચાડિયા રોખા...
છાંટા-રાંટા, વાવાઝોડું,
કે ખાબકતી ઝડીયું,
દરિયા, નદીયું, વહેળા, ઝરણાં,
કરાની કાં'તો દડીયું.
ઊતરે કાગળ પર તે મોતી, ખોવાયાં તે નોખાં...