
ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાએ પોતાના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને એક પત્ર લખ્યો છે. આ પત્રને કારણે તેલંગાણાના રાજકારણમાં ગૂસપૂસ ચાલુ થઈ ગઈ છે. એમ કહેવાય છે કે કવિતાએ કેસીઆરને પોતાને હાથે ફીડબેક પત્ર લખ્યો હતો. આ પત્રમાં કવિતાએ હાલિયા બેઠક સંદર્ભે પક્ષ માટે ફાયદાકારક અને નુકશાન કરે એવી વાતોનું એનાલીસીસ કર્યું હતું. પત્રમાં ભાજપ અને બીઆરએસ વચ્ચે ગઠબંધન થવાની શક્યતા વિશેનો પણ ઉલ્લેખ હતો. આ પત્ર લીક થવાથી તેલંગાણા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. તેલુગુ અને અંગ્રેજી ભાષામાં લખેલા પત્રમાં કવિતાએ લખ્યું છે કે, 'જેમ કે તમે (કેસીઆર) ફક્ત બે મિનિટ બોલ્યા અને ભાજપ માટે પણ કોઇ નુકતેચીની કરી નહીં, આનાથી કેટલાકે એવું વિચારવાનું શરૂ કર્યું છે કે, ભવિષ્યમાં આપણે ભાજપ સાથે ગઠબંધન કરી શકીએ છીએ.'
બિહારમાં કોંગ્રેસના એક નિર્ણયને કારણે આરજેડીની ચિંતા વધી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આરજેડીની ચિંતામાં વધારો થયો છે. સમન્વય સમિતિની અધ્યક્ષતા મળ્યા પછી તેજસ્વી યાદવ મહાગઠબંધનમાં આરજેડીના વધેલા વજનથી આત્મવિશ્વાસમાં હતા. પોતાના વર્તનથી કોંગ્રેસે પણ કંઈક આવો જ સંકેત આપ્યો હતો. જોકે અંદરખાને કોંગ્રેેસ અને આરજેડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. સત્તાપર આવ્યા પછી મહિલાઓને દર મહિને અઢી હજાર રૂપિયા આપવાની જાહેરાત તેજસ્વીએ કરી હતી. તેજસ્વીએ કરેલી જાહેરાત પછી કોંગ્રેસે પણ એ જ પ્રકારની યોજના (ભાઇ - બહેન માન યોજના)ની જાહેરાત કરી છે. કોંગ્રેસની આ જાહેરાતને કારણે આરજેડીમાં સોપો પડી ગયો હતો. આરજેડીએ આ જાહેરાત એક પક્ષીય રીતે કરી હોવાથી તેઓ કોંગ્રેસને આ બાબતે દોષ આપી શકે એમ પણ નથી.
જ્યોતિ મલ્હોત્રાના ચાર ખાતાઓમાં કેટલા રૂપિયા છે
ટ્રાવેલ બ્લોગ બનાવતી હરિયાણાની યુવતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ છે. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસુસી કરવાનો આરોપ છે. જ્યોતિ પાકિસ્તાન એમ્બેસીના અધિકારીઓ તેમ જ આઇએસઆઇના સંપર્કમાં હતી અને એમને ઇશારે ભારતની જાણકારી એમને પહોંચાડતી હતી. જ્યોતિ ટ્રાવેલ બ્લોગ બનાવતી હતી અને ઇન્સ્ટાગ્રામ પર એના લાખો ફોલોઅર્સ છે. પોલીસને એના ચાર બેન્ક ખાતાની જાણકારી મળી છે. જ્યોતિએ હિસ્સારની એક કોલેજમાંથી બીએ કર્યું છે અને યુ-ટયુબર બનતા પહેલા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. જ્યોતિનો શરૂઆતનો પગાર ૨૦ હજાર રૂપિયા હતો. જ્યોતિની મહિનાની કમાણી ૪૦ હજાર રૂપિયાથી ૧,૨૦,૦૦૦ સુધીની હતી. હિસ્સારમાં જ્યોતિનું સામાન્ય મકાન છે. જાણકારોના કહેવા પ્રમાણે જ્યોતિના ચાર ખાતાઓમાંથી પોલીસને મામુલી રકમ મળી છે.
સત્યપાલ મલીક સામે થયેલી ચાર્જશીટથી સંજયસિંહ નારાજ
ત્રણ વર્ષની તપાસ પછી સીબીઆઇએ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલીક સામે ચાર્જશીટ દાખલ કરી છે. મલીકે જમ્મુ-કાશ્મીરની કીરૂ જલવિદ્યુત યોજનાનો કોન્ટ્રાક્ટ આપવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ છે. પોતાની માનીતી કંપનીને કોન્ટ્રાક્ટ આપીને ૨૨૦૦ કરોડનું કૌભાંડ કરવાનો આરોપ સત્યપાલ મલીક સામે છે. હવે સીબીઆઇએ એમની સામે ચાર્જશીટ દાખલ કરી છે અને સત્યપાલ મલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. મલીક સામે ચાર્જશીટ દાખલ થવાથી આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ ખૂબ નારાજ થયા છે. એમણે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા લખ્યું છે કે, 'મોદી સરકાર નિષ્ઠુર છે. એક તરફ સત્યપાલ મલીક હોસ્પિટલમાં દાખલ થયા છે. એમની પરિસ્થિતિ અતિ ગંભીર છે ત્યારે જ સીબીઆઇએ એમની સામે ચાર્જશીટ દાખલ કરી છે.'
આ પીઆઇએલ નથી પોતાના પ્રચાર માટે કરેલી અરજી છે
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ બી આર ગવઇ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ એમને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા નહોતા. ચીફ જસ્ટીસે આ બાબતે પોતાની નારાજગી દર્શાવી હતી. કોઈ પ્રચાર ભૂખ્યાએ તકનો લાભ ઉઠાવવા માટે આ બાબતે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. અકળાઇ ગયેલા ચીફ જસ્ટીસ ગવઇએ અરજી કરનારને ૭ હજારનો દંડ કરીને અરજી ફગાવી દીધી છે. અરજી કાઢી નાખતા પહેલા બેન્ચે કહ્યું હતું કે, આવી જાહેર હિતની અરજી બીજુ કંઈ નથી પરંતુ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો હીન પ્રયત્ન છે. પ્રોટોકોલમાં ચૂક થઈ ગઈ છે પરંતુ એને મોટો ઇસ્યુ બનાવવો જોઈએ નહીં.
તામિલનાડુએ ત્રણ ભાષા ફોર્મ્યુલા બાબતે કેન્દ્ર સરકાર સામે કેસ દાખલ કર્યો
તામિલનાડુની સરકારે કેન્દ્ર સરકાર સામે સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા આશરે ૨૨૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ રીલીઝ નહીં કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તામિલનાડુ સરકારે કેન્દ્ર સરકાર સામે જબરદસ્તીથી હિન્દી ભાષા થોપવાનો આરોપ મૂક્યો છે. તામિલનાડુનું કહેવું છે કે કેન્દ્ર સરકાર બાળકોની શિક્ષા માટે આપવાનું ફંડ રોકીને રાજ્યને ત્રણ ભાષાની ફોર્મ્યુલા સ્વીકારવા ફરજ પાડી શકે નહીં. સમગ્ર શિક્ષા અભિયાન અને પીએમ શ્રી સ્કૂલ યોજનાઓને એક બીજા સાથે જોડી શકાય નહીં. તામિલનાડુની સરકારે સુપ્રિમ કોર્ટ પાસે રાહત માંગી છે કે કેન્દ્ર સરકારે રોકી રાખેલું ફંડ વ્યાજ સાથે ચોક્કસ સમય મર્યાદામાં રાજ્યને આપવાનો હુકમ કરવામાં આવે.
આરજેડીના સાંસદ મનોજ ઝા મોદી સરકારના આ નિર્ણયથી ખુશ થયા
ભારત સરકારે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનનો આતંકી ચહેરો બેનકાબ કરવા માટે સાત ઓલ પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આ ડેલિગેશન વિવિધ દેશોમાં જવાના છે. સાનાન્ય રીતે મોદી સરકારના વિરોધી રહેલા આરજેડીના સાંસદ મનોજકુમાર ઝાએ ડેલિગેશન બાબતે મોદી સરકારના વખાણ કર્યા છે. મનોજકુમાર ઝાએ કહ્યું છે કે, 'છેલ્લા કેટલાક વર્ષો ર્ દરમિયાન સરકારે જે નિર્ણયો લીધા છે એમાનો આ એક સારો નિર્ણયછે. ઓપરેશન સિંદુર પછી આપણે જેમને મદદ કરી હતી એવા દુનિયાના કેટલાક મિત્ર દેશો ખુલીને આપણી સાથે આવ્યા નથી. આ સમસ્યા કોઈ રાજકીય પક્ષની નહીં, પરંતુ આખા દેશની છે. સમાજમાં જે નફરત ફેલાવવામાં આવી રહી છે અને જે કોશિષ પહેલગામમાં પણ કરવામાં આવી હતી એને નાબુદ કરવા માટે આવા ડેલિગેશનો વિવિધ દેશોમાં જાય એ જરૂરી છે.'
તેજ પ્રતાપ યાદવે વિવાદાસ્પદ પોસ્ટ વિશે હેકરો પર દોષ ઢોળ્યો
બિહારના ભૂતપૂર્વ મંત્રી તેમજ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે વિવાદમાં સપડાયા છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા બાર વર્ષથી અનુષ્કા યાદવ નામની એક મહિલા સાથે રિલેશનશીપમાં છે. આ પોસ્ટ બાબતે વિવાદ થતા તેજ પ્રતાપે ફેરવી તોળ્યું અને વાયરલ પોસ્ટ માટે હેકરોને દોષી ગણાવ્યા. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુયાદવે જણાવ્યું કે તેના લગ્ન થઈ ચુકેલા છે અને હેકરોએ તેના ફોટા એડિટ કરીને પોસ્ટ કર્યા હતા.