
રાજ્યના રાજકોટમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં SOG પોલીસે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કામ કરતી એક મહિલાને ઝડપી પાડી છે.
મહિલા માત્ર 12 પાસ
સરોજ ડોડીયા સહકાર મેઇન રોડ પર રહેતી હતી અને સીતાજી ટાઉનશિપમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી હતી. SOG પોલીસે આ ઓપરેશનને સફળ બનાવવા માટે ડમી ગ્રાહક મોકલીને તેની ધરપકડ કરી અને સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગર્ભ પરીક્ષણ માટે 16 હજાર રૂપિયા લેતી
સરોજ ડોડીયા, જે માત્ર 12 પાસ છે અને નર્સિંગનો કોર્સ કરી ચૂકી છે, તે હોમકેર નર્સિંગના નામે આ ગોરખધંધો ચલાવતી હતી. તે એક ગર્ભ પરીક્ષણ માટે 16 હજાર રૂપિયા લેતી હતી અને ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલોની પણ મદદ લેતી હતી.ખાસ વાત એ છે કે આ પહેલાં પણ સરોજ ડોડીયા આવી જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઝડપાઈ ચૂકી છે, જે દર્શાવે છે કે તે આવા કામમાં પહેલેથી જ સંડોવાયેલી હતી.