
હૈદરાબાદના બેગમ બજાર પોલીસ સ્ટેશનમાં રતન રંજન અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ સામે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો છેડછાડ કરેલો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. તેલંગાણા યુથ કોંગ્રેસના પ્રમુખ જક્કીડી શિવ ચરણ રેડ્ડીએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પોસ્ટ અશ્લીલ અને અપમાનજનક કન્ટેન્ટ ફેલાવી રહી છે, જેનો હેતુ મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડવાનો અને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાનો છે.
જાણો શું છે મામલો
તેલંગાણા યુથ કોંગ્રેસના પ્રમુખ જક્કીડી શિવ ચરણ રેડ્ડી દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો છેડછાડ કરેલો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ઘટના પાંચમી જુલાઈની છે, જ્યારે રતન રંજને સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. બિહારમાં મહિલા કોંગ્રેસ દ્વારા આયોજિત જાગૃતિ અભિયાનના ભાગ રૂપે વિતરણ કરાયેલા સેનિટરી પેડ્સ પર કોંગ્રેસ નેતાનો ચહેરો કથિત રીતે લગાવવામાં આવ્યો હતો. આ પોસ્ટ સમગ્ર ભારતમાં મહિલાઓના ગૌરવ માટે અપમાનજનક હતી અને મહિલાઓના સ્વાસ્થ્યના મુદ્દાને ઓછો આંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહિલા કોંગ્રેસે બિહારમાં એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જે હેઠળ 5 લાખ મહિલાઓને મફતમાં સેનિટરી પેડ આપવામાં આવશે. આ સેનિટરી પેડ્સના પેકેટ પર કોંગ્રેસ નેતાનો ફોટો છપાયેલો છે, જ્યાં નારી ન્યાય, મહિલા સન્માન જેવા સૂત્રો પણ લખેલા છે. કોંગ્રેસે આ ઝુંબેશને લગતા ફેક તસવીરો અને વીડિયો વાયરલ થતા વાંધો ઊઠાવ્યો છે.
BNSની અનેક કલમો હેઠળ FIR નોંધાઈ
બેગમ બજાર પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા ( BNS 2023)ની કલમ 79, 192, 196, 197, 294, 353, 356 અને IT એક્ટ, 2000ની કલમ 67 (જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણ સાથે સંબંધિત છે) હેઠળ કેસ નોંધ્યો છે. બેગમ બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. ભરત કુમારે જણાવ્યું હતું કે, 'આ કેસની તપાસ ઇન્સ્પેક્ટર કોડાલા યેદુકોન્ડાલુને સોંપવામાં આવી છે.'