
- આજમાં ગઈકાલ
- જો વરસાદ જેઠમાં વરસી પડે તો હરખભેર હળોતરા કરવા ખેડૂત તત્પર થઈ જાય છે.
'જ્યેષ્ટા' થઈને 'જેઠ' શબ્દ બન્યો છે એ જેઠ મહિનો વૈશાખી લગનટાણાંનો આનંદ અને અષાઢી મેઘની આતુરતાની વચ્ચેનો મહિનો છે. વિવાહવાજનનો હરખ હજી હૈયે નાચે છે અને આંખો અષાઢની રાહ જુએ છે. ખેડૂતો જેઠ બેસતા જ ઘરના, વાડાના, સીમના ઉકરડા ગાડે નાખી ખાતરરૂપે ખેતરમાં ઠાલવે છે. ગાડામાં ભરાતા ખાતર ખેતરમાં થોડે થોડે અંતરે પૂંજો થઈને ઠલવાય છે. કહ્યાગરા બળદો હળવે હળવે ચાલે છે. ખેતરમાં થોડા થોડા અંતરે થયેલી ખાતરની ઢગલીઓ, ધરતીમાંથી ફૂટેલી કાળી ટેકરીઓ જેવી દેખાય છે. ખેડૂતને ટપકતા સૂરજને લૂંછવાની નવરાશેય નથી. ખેડૂતનું થેપાડું, ખમીશ અને ફાળિયું પોતાનો મૂળ રંગ ગુમાવીને ખાતરનો અને સૂરજનો મિશ્ર રંગ ગટગટાવીને કૃષિકની કાયાની તરસ ઠારે છે. મજૂરો ટોપલા, બોચિયાં મારફતે ગાડા ભરે છે. પાવડેથી ઉલેચાતો ઉકરડો ઊંડેથી કાળો મજાર થઈ ગયો છે. ઉકરડામાંથી કાનખૂજરા અને વીંછી નીકળે છે, ક્યારેક સાપ પણ નીકળે! ખેડૂત એ કશાથી ડર્યા વગર કર્મઠતાથી ખાતરને ખેતરે પહોંચાડે છે. જેઠ મહિનો ખેડૂતો માટે નરી વેઠનો મહિનો છે. જ્યારે વરસાદી જ ખેતી હતી ત્યારે ખેતર અને ખેડુનો નેહ જોવા જેવો હતો!
ખેતરે ઠલવાયેલું ખાતર દંતાળી વડે આખા ખેતરમાં વેરાય છે. ઢગલીઓ ફીંદાય છે. બાળકો ઘરઘર રમતા ગુસ્સે થઈ બનાવેલું ઘર તોડી નાખે એમ ખાતર આખા ખેતરના ચહેરા ઉપર છંટાય છે. ખાતર વેરાયા પછીનું ખેતર દાઢી મૂછ વધેલા ચહેરા જેવું દેખાય છે. શેઢે ઊભેલા લીમડા પોરો ખાવા પોકાર પાડે છે. ખેડૂત-મજૂરોને ચા, બીડી, પાણી આપે છે. મજૂરો કોલસાની ખાણમાંથી બહાર આવ્યા હોય તેવી શોભા ધરાવે છે, તેમણે પાણીથી ધોયેલા હાથમાં પણ કહોવાઈ ગયેલા છાણની વાસ આવ્યા કરે છે. લીમડા ઉપર લટકતી લીંબોળીઓનો રંગ જેઠ બદલે છે.
ખાતર વેરી નાખ્યા પછી, કોઈક ખેડૂત એને ખેડી નાખે છે કોઈક પડયું રાખે છે, તપે છે ખેતર-ખાતર ભળે છે - વરસાદ આવે એટલે તરસ્યું ખેતર મેઘને આખે આખો પોતાની બાહોમાં ઘાલી અંદર ઊતારે છે. ખેતર પાણી પીએ છે ને ખેડૂત મલકાય છે, હરખાય છે. કૂવા,બોર,નહેર કે નદીનાં પાણી નહતા ત્યારે વરસાદી પાણી અણમોલ ગણાતા.
વરસાદ આવ્યા પૂર્વે ખાતર ભરી, ખાતર વેરી ખેડૂત શેઢા સાફ કરે છે. કાંટાળી વાડ સોરવે છે. સરખી કાપે છે. કાંટા ભેગા કરી સળગાવે છે. શેઢા વાળી ઝુડી કંચન જેવા કરે છે. જ્યાં જ્યાં છીંડાં પડયાં છે તે પુરે છે - થોરિયાથી છીંડાં પુરવાની ક્રિયા પણ જોવા જેવી ! કોદાળીથી ખાડો થાય. છીંડાના માપનો થુવર એ ખાડામાં રોપાય પછી એના ઉપર માટી વળાય... આખીને આખી ગાડાવાટ જેવો મારગ થોરિયાથી પુરી દેવાય. ભરઉનાળે રોપેલા થોરિયા વરસાદ આવતાં ચોંટીને તૈયાર થઈ જાય... સીમના સંરક્ષક થોરિયા ખેડૂતના સાથી ભાગિયાથી કંઈ ઓછા મહત્વના નથી હોતા ! અખાત્રી વૈશાખ સુદ ત્રીજે ગઈ. ઉધડની લેતી દેતીના હિસાબો પુરા થયા ના હોય તો જેઠ મહિને એ ચોકખા થાય છે. કોઈક ખેતરમાં મોડી પડેલી બાજરી પકવીને કોઠારમાં લઈ જવાની ઉતાવળ ખેડૂતના ચહેરા ઉપર દેખાય છે. જ્યાં એરંડા, કપાસ હતા તે ખેતરની સાંઠીઓ, ભાંઠા... ગોદી ખોદી બળતણ તરીકે ભેગાં કરી ઘરના વાડે લવાય છે. બાજરીના પૂળા-જારના પૂળા ઘરમાં મંડાય છે. તૂટી ગયેલાં હળ,પાવડાના-કોદાળીના હાથા, રાંપરી ઘૂંસરીમાં ક્યાંક કંઈક સમારકામ કરાવવાનું હોય તો સુથારને ત્યાં જવાય છે. સુથાર કામ કરે છે ને યજમાનને ચા પાણી પણ કરાવે છે. લુહાર દાતરડાં,ત્રિકમ,પાવડાને અણિયાળાં કરી આપે છે. નવા ઘડી આપે છે. વરસભરનો વણલખ્યો કોન્ટ્રાક્ટ હોય છે જાણે ! સાથી-ભાગિયા સ્વજન બનીને મજૂરીએ લાગી જાય છે. નવા તૈયાર થતા રેલ્લા પળોટાય છે. ઘૂંસરીએ જોડવાની તાલીમ અપાય છે.
ખેતરો સમારી લીધા પછી વખત મળે એટલે ખેડૂત છાપરે ચઢી નળિયાં સંચવાનું કામ કરે. નળિયાં સંચનારની કારીગરી જોવા જેવી, બે સીધાં ઉપર એક અવળું એમ ગોઠવ્યા કરે. ઘર ઠંડા રહે અને પાણી પણ ના પડે. સંચનારા ભાઈઓ જ્યારે છાપરેથી હેઠે ઊતરે ત્યારે પણ એમના હાલહવાલ જોવા જેવા! જેવું નળિયાંનું કામ પતે કે સમાંતરે ખાટલા ભરવાનું કામ પણ જેઠ મહિનામાં ચાલે. પણ ખાટલો ભરવાની અને નળિયાં સંચવાની જે ભાત પડે એ ભાત ઉપરથી એની કારીગીરીની કદર થતી!
જેઠ પછી લીંબોળીઓ રાયણ જેવી પીળી પડવા માંડે છે અને જેઠ મહિનામાં એકાધિક આંધીઓ ઊમટે છે. ઘરમાં પુરાઈ જવું પડે, એવી આંધીઓ! છૂટાં પતરાં પણ ઊડીને દૂર જઈને પડે. ખેતરમાં જો કોઈ પાક ઊભો હોય બાજરી,જુવાર વગેરે તો તેની સોથ વળી જાય. આંધી સૂસવાટાભેર આવી ચકરાવો લે. ધૂળના ગોટા રોકેટની જેમ ઉપરની તરફ વલયો રચી ઊંચે ઉડતા હોય આવી સાત સાત આંધીઓ ઈશાન,નૈઋત્ય તરફથી આવે... ભારે ભારે આંધીઓ આવે પછી જ વરસાદની આશા રાખી શકાય. આંધી આવે એ જ વરસાદનો સંકેત! રણમાં જેવી આંધી આવે એવી આંધીનો અનુભવ જેઠ મહિનો કરાવે છે. હવે તો વરસમાં બે ત્રણ પાક લેવાતા હોય છે જેઠ મહિનામાં ખેતરમાં બાજરી,જુવાર લઈને ઘરમાં ભરી લેવાની ઉતાવળ,પૂળા ઠેકાણે પાડવાની ઉતાવળ... વરસાદ આવ્યા પહેલાં બધુ હેમખેમ પાર પાડવાની ખેડૂતની મથામણો વચ્ચે જેઠ મહિનો ખેડૂત પસાર કરે છે. જેઠ મહિનો અધવારે એટલે આકાશ તરફ મીટ મંડાય છે - આમ સમગ્ર તયા જોઈએ તો ખેડૂતો માટે જેઠ મહિનો વેઠનો મહિનો બને છે,પણ આ બધુ ઠેઠ પહોંચવાની પૂર્વ તૈયારીરૂપે છે. જ્યેષ્ટા નક્ષત્રનું નામ છે પણ જેઠનો અર્થ આપણે 'મોટો' કરીએ છીએ.
- ભગીરથ બ્રહ્મભટ્ટ